આ વર્ષની મોટી ફિલ્મમાં છેલ્લી ઘડીએ મારા ગીતને રિપ્લેસ કરવામાં આવ્યું હતું : આદિત્ય નારાયણ

11 April, 2023 03:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એ ગીત બધી બાજુએ પ્લે કરવામાં આવતું હોવાથી તે ચાર-પાંચ દિવસ સુધી નારાજ રહ્યો હતો

આદિત્ય નારાયણ

આદિત્ય નારાયણે એક ખુલાસો કરતાં જણાવ્યું છે કે આ વર્ષની મોટી ફિલ્મમાં છેલ્લી ઘડીએ તેના ગીતને રિપ્લેસ કરવામાં આવ્યું છે. તેણે એ ફિલ્મ વિશે વધુ માહિતી નથી આપી, પરંતુ થોડા સમય બાદ એ વિશે વધુ જણાવવાનું તેણે કહ્યું છે. એ ગીત બધી બાજુએ પ્લે કરવામાં આવતું હોવાથી તે ચાર-પાંચ દિવસ સુધી નારાજ રહ્યો હતો. તેનું માનવું હતું કે તેણે પણ એટલું જ સારી રીતે એ ગીત ગાયું હતું. જોકે બાદમાં તેણે એમ વિચારીને મનને મનાવી લીધું કે એવાં અનેક ઉદાહરણો છે જ્યારે કોઈ અન્યને બદલે તેને લેવામાં આવ્યો હતો. એ ગીત વિશે આદિત્ય નારાયણે કહ્યું કે ‘મેં આ વર્ષમાં સૌથી મોટું ગીત ગાયું હતું અને મારા વર્ઝનને છેલ્લી ઘડીએ બદલવામાં આવ્યું હતું. થોડા સમય માટે હું ઉદાસ રહ્યો હતો. થોડો સમય પસાર થઈ ગયા બાદ હું એના વિશે વધુ માહિતી આપીશ. એ ખૂબ હિટ સૉન્ગ હતું. જોકે મ્યુઝિક કમ્પોઝર્સ નહીં, પરંતુ મેકર્સ અન્ય સિંગરની પસંદગી કરે છે. તેમણે બેસ્ટની સાથે મને રિપ્લેસ કર્યો હતો. એથી ખરેખર ખરાબ નહોતું લાગ્યું. હું એ ગીતને લઈને આતુર હતો, પરંતુ આ જીવનનો ભાગ છે. હું તો ખુશ છું કે એ કમ્પોઝર્સે મને બોલાવ્યો હતો. હું જે પણ ગીત સાથે જોડાઉં છું એને લઈને સમર્પિત થાઉં છું. ગયા વર્ષે ‘શમશેરા’નું ‘જીહુજૂર’ ગીત ખૂબ સારું રહ્યું હતું. સારા લોકો સાથે તો આવું થયા કરે છે. મારા પિતા (ઉદિત નારાયણ) સાથે પણ આવું થતું હતું. મેં તેમને કહેતા સાંભળ્યા હતા કે તેઓ કોઈ ગીતને લઈને ખૂબ ઉત્સુક છે, પરંતુ બાદમાં એ ગીત કોઈની પાસે ચાલ્યું ગયું હતું. બૉલીવુડમાં એવું છે કે તમે ગીતના ક્રીએટર નથી હોતા. અમારી ફિલ્મોમાં કોઈ એક માણસ નિર્ણય નથી લેતો; એમાં પ્રોડ્યુસર્સ, ઍક્ટર્સ અને અન્ય લોકો પણ સામેલ હોય છે. સમય-સમયની વાત હોય છે.’

entertainment news bollywood news bollywood gossips bollywood aditya narayan