સોનુ નિગમ નસ દબાઈ જવાની સમસ્યાને કારણે ભોગવી રહ્યો છે ભારે પીડા

18 June, 2026 10:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિડિયોમાં પોતાની બીમારી વિશે વાત કરતાં સોનુએ આ અનુભવને શારીરિક રીતે અત્યંત મુશ્કેલ અને થકાવી નાખનાર ગણાવ્યો હતો

સોનુએ સોશ્યલ મીડિયા પર એક વિડિયો દ્વારા આ માહિતી શૅર કરી હતી

ગાયક સોનુ નિગમ હાલમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, પણ આવી સ્થિતિમાં પણ તેણે કામમાંથી બ્રેક નથી લીધો. હાલમાં સોનુએ એક વિડિયો શૅર કરીને ચાહકોને પોતાની તબિયત વિશે માહિતી આપી છે. સોનુએ પોતે જ પોતાની હાલત વિશે જણાવતાં કહ્યું કે તે ભારે પીડામાં છે અને તેને નસોની ગંભીર સમસ્યા થઈ છે જેના કારણે તેને ઘણી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

સોનુએ સોશ્યલ મીડિયા પર એક વિડિયો દ્વારા આ માહિતી શૅર કરી હતી. વિડિયોમાં તે ખુરસી પર બેઠેલો જોવા મળે છે. ફૉર્મલ કપડાં પહેરેલા સોનુએ શર્ટના કેટલાંક બટન ખુલ્લાં રાખ્યાં હતાં જેમાં ગળાની નજીક લગાવેલી પટ્ટી સ્પષ્ટ દેખાઈ રહી હતી. વિડિયોમાં પોતાની બીમારી વિશે વાત કરતાં સોનુએ આ અનુભવને શારીરિક રીતે અત્યંત મુશ્કેલ અને થકાવી નાખનાર ગણાવ્યો હતો. તેણે કહ્યું હતું કે ‘મારી આ નસો દબાઈ ગઈ છે. હું છેલ્લા એક અઠવાડિયાથી આ મુશ્કેલી સહન કરી રહ્યો છું. MRI, CT સ્કૅન અને ફિઝિયોથેરપી કરાવવી પડી રહી છે. હું ખૂબ પીડામાં હતો અને હાલમાં પેઇનકિલર્સ પર છું. એના કારણે મારો અવાજ પણ થોડો ભારે થઈ ગયો છે. આજે હું લગભગ એક મહિના અને ૧૦ દિવસ પછી પર્ફોર્મ કરી રહ્યો છું. આજે મારો આત્મવિશ્વાસ થોડો ઓછો છે અને ગળું પણ ભારે છે, પણ શું કરવું? નસોને આરામ આપવા માટે જે દવાઓ લઈ રહ્યો છું એની અસર ગળા પર પણ થઈ રહી છે. કોઈ વાત નહીં, ભગવાન મને મંચ પર શક્તિ આપે.’

sonu nigam entertainment news bollywood bollywood news