17 May, 2025 06:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રીતિ ઝિન્ટા
પ્રીતિ ઝિન્ટાની ગણતરી બૉલીવુડની ટૅલન્ટેડ ઍક્ટ્રેસ તરીકે થાય છે. તેણે અનેક બ્લૉકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું છે, પણ પર્સનલ કારણસર ઘણા સમયથી મોટા પડદાથી દૂર રહી છે. જોકે પ્રીતિ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની પંજાબ કિંગ્સની ઓનર છે અને એટલે જ તે ઘણી વખત IPLની મૅચમાં જોવા મળે છે. હાલમાં પ્રીતિએ તેના ફૅન્સ સાથે કમ્યુનિકેશન કરવા માટે એક સવાલ-જવાબનું સેશન રાખ્યું હતું. આ સેશનમાં તેણે પહલગામ આતંકવાદી હુમલાથી લઈને ઑપરેશન સિંદૂર સુધીના મુદ્દાઓ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. એ વાતચીત દરમ્યાન પ્રીતિએ એક સવાલના જવાબમાં પોતાના પહેલા પ્રેમ વિશે માહિતી આપી હતી.
આ સેશનમાં એક ફૅને પ્રીતિ સાથે તેની અને શાહરુખ ખાનની ફિલ્મ ‘કલ હો ના હો’ વિશે વાત કરી હતી. ચાહકે લખ્યું, ‘પ્રીતિ ઝિન્ટા મૅડમ, જ્યારે પણ ‘કલ હો ના હો’ જોઉં છું ત્યારે હું બાળકની જેમ રડું છું. તમે નયના કૅથરિન કપૂરનું પાત્ર એકદમ સચોટ રીતે ભજવ્યું હતું. સાથે જ હું એક પાઠ પણ શીખ્યો કે પ્રેમનો અર્થ ક્યારેક પોતાને છોડી દેવાનો હોય છે. જ્યારે તમે ૨૦ વર્ષ પછી ‘કલ હો ના હો’ જુઓ છો ત્યારે શું તમે અમારી જેમ રડો છો?’
એના જવાબમાં પ્રીતિએ તેના પ્રથમ પ્રેમ વિશે વાત કરી હતી. પ્રીતિએ કહ્યું, ‘હા, જ્યારે હું આ ફિલ્મ જોઉં છું ત્યારે રડવું આવી જાય છે. જ્યારે અમે એનું શૂટિંગ કરી રહ્યાં હતાં ત્યારે પણ હું રડી હતી. મારો પહેલો પ્રેમ કાર-ઍક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો હતો એથી આ ફિલ્મ હંમેશાં અલગ રીતે અસર કરે છે. સાચું કહું તો આ ફિલ્મનાં મોટા ભાગનાં દૃશ્યોમાં તમામ કલાકારો કુદરતી રીતે રડ્યા હતા અને અમનના મૃત્યુના દૃશ્યમાં કૅમેરાની સામે અને પાછળ બધા રડતા હતા.’