દેવ આનંદે સંઘર્ષના સમયમાં ક્લર્ક તરીકે નોકરી કરવી પડી હતી

29 January, 2020 04:02 PM IST  |  Mumbai | Ashu Patel

દેવ આનંદે સંઘર્ષના સમયમાં ક્લર્ક તરીકે નોકરી કરવી પડી હતી

દેવ આનંદ

તેમણે મુંબઈના ચર્ચગેટ વિસ્તારસ્થિત મિલિટરી સેન્સર્સ ઑફિસમાં પત્રો સેન્સર કરવાની નોકરી પણ કરી હતી!

યસ. દેવ આનંદે સંઘર્ષના સમયમાં ક્લર્ક તરીકે નોકરી કરવી પડી હતી અને તેમણે મુંબઈના ચર્ચગેટ વિસ્તારસ્થિત મિલિટરી સેન્સર્સ ઑફિસમાં પત્રો સેન્સર કરવાની નોકરી પણ કરી હતી!

દેવ આનંદ ૧૯૪૩માં ૨૦ વર્ષની ઉંમરે મુંબઈ આવ્યા ત્યારે તેમના ખિસ્સામાં માત્ર ૩૦ રૂપિયા હતા, એટલે તેમણે પોતાનો ખર્ચ કાઢવા માટે એક અકાઉન્ટન્સી ફર્મમાં ક્લર્ક તરીકે નોકરી કરવી પડી હતી!

એ વખતે તેમને ૮૫ રૂપિયા પગાર મળતો હતો.
 
એ પછી થોડા મહિના બાદ તેમને ચર્ચગેટમાં મિલિટરી સેન્સર્સ ઑફિસમાં પત્રો સેન્સર કરવાની નોકરી મળી હતી. એ નોકરીમાં તેમને ૧૬૫ રૂપિયા પગાર મળતો હતો. છેવટે ૧૯૪૬માં રિલીઝ થયેલી પી. એલ. સંતોષી દિગ્દર્શિત ‘હમ એક હૈ’ ફિલ્મથી તેમની અભિનેતા તરીકેની કરીઅર શરૂ થઈ હતી. 
દેવ આનંદ વિશે બીજી પણ થોડી રસપ્રદ વાતો જાણવા જેવી છે.

દેવ આનંદના બે ભાઈઓ ચેતન આનંદ અને વિજય આનંદ બૉલીવુડમાં ખૂબ સફળ થયા હતા. દેવ આનંદના ફિલ્મમેકર ભાઈ ચેતન આનંદ હિરોઇન પ્રિયા રાજવંશ સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા. દેવ આનંદનાં બહેન શીલા કાન્તા કૌરનો દીકરો પણ ખ્યાતનામ ફિલ્મમેકર બન્યો હતો. શીલા કૌરનો દીકરો અને દેવ આનંદનો ભાણેજ એટલે ‘બેન્ડિટ ક્વીન’ અને ‘મિસ્ટર ઇન્ડિયા’ જેવી ફિલ્મો બનાવનાર શેખર કપૂર.
 
દેવ આનંદના મોટા ભાઈ મનમોહન આનંદે નિવૃત્તિ સુધી તેમના વતન ગુરદાસપુરમાં વકીલ તરીકે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પ્રૅક્ટિસ કરી હતી. દેવ આનંદ અને તેમના ભાઈઓ વચ્ચે ખૂબ સારું બૉન્ડ હતું. જોકે તેમના ફિલ્મમેકર ભાઈ વિજય આનંદે તેમની સગી ભાણેજ સુષમા કોહલી સાથે લગ્ન કરી લીધાં એ વખતે દેવ આનંદ તેમના પર ખૂબ નારાજ થયા હતા (ગોલ્ડી આનંદ તરીકે જાણીતા વિજય આનંદ અને તેમની પત્ની બનેલી ભાણેજ સુષમાને એક દીકરો થયો હતો, જેનું નામ તેમણે વૈભવ પાડ્યું હતું).

દેવ આનંદ અભિનેત્રી સુરૈયાના પ્રેમમાં પડ્યા હતા, પણ સુરૈયાની નાનીના વિરોધને કારણે તેમનાં લગ્ન નહોતાં થઈ શક્યાં. 
દેવ આનંદના જીવનની આવી તો ઘણી રસપ્રદ વાતો છે એ ફરી ક્યારેક શૅર કરીશ.

dev anand bollywood news entertaintment