દુર્ગામતી નહીં બોરમતી

13 December, 2020 08:38 PM IST  |  Mumbai | Harsh Desai

દુર્ગામતી નહીં બોરમતી

દુર્ગામતી નહીં બોરમતી

ભૂમિ પેડણેકરની ‘દુર્ગામતી : ધ મિથ’ ખરેખર ફિલ્મમેકિંગ પર એક મિથ છે. આ ફિલ્મ કેમ બનાવી એ એક સવાલ છે. ઍમેઝૉન પ્રાઇમ પર રિલીઝ થયેલી બે કલાક અને 35 મિનિટ લાંબી આ ફિલ્મનો પ્રકાર કયો છે એ પણ એક મિથ છે. હૉરર ફિલ્મ કહેવાતી આ ફિલ્મમાં હૉરર જેવું કંઈ નથી. ફિલ્મમાં ડર, રોમાંચ, થ્રિલ જેવું એક પણ પાસું નથી. સાઉથની ‘ભાગમતી’ની આ હિન્દી રીમેકને પણ ડિરેક્ટર અશોક દ્વારા જ બનાવવામાં આવી હતી. સાઉથના ડિરેક્ટરને બૉલીવુડમાં આવીને શું થઈ જાય છે એ પણ એક રહસ્મય સવાલ છે.
ફિલ્મની સ્ટોરી પૉલિટિશ્યન ઈશ્વર પ્રસાદ એટલે કે અર્શદ વારસીથી શરૂ થાય છે. તે એક સ્પીચ આપી રહ્યો હોય છે. ત્યાં જ મીડિયા દ્વારા તેને મંદિરમાંથી ચોરી થયેલી મૂર્તિઓ વિશે સવાલ કરવામાં આવે છે અને તે કહે છે કે આ મૂર્તિ ચોરી કરનાર પંદર દિવસમાં નહીં પકડાય તો તે પૉલિટિક્સમાંથી રાજીનામું આપી દેશે. તેની આ વાતથી પૉલિટિક્સમાં હલચલ થઈ જાય છે, કારણ કે ભાઈસા’બ યુધિષ્ઠિરથી પણ વધુ દૂધના ધોયેલા હોય છે. તેણે લાઇફમાં એક કામ એવું નથી કર્યું જેનાથી તેનું નામ ખરાબ થાય. આથી પૉલિટિકલ પાર્ટી દ્વારા તેના પર જ મૂર્તિચોરીનો આરોપ મૂકવામાં આવે છે અને એ માટે સતાક્ષી ગાંગુલી એટલે કે માહી ગિલને બોલાવવામાં આવે છે. તે એક સી.બી.આઇ. ઑફિસર હોય છે. તેને આ કેસ સોંપવામાં આવે છે કે તે આ માટે ઈશ્વર પ્રસાદને ગુનેગાર સાબિત કરે. આ માટે તે ઈશ્વર પ્રસાદની સેક્રેટરી આઇ.એ.એસ. ચંચલ ચૌહાણને પૂછતાછ માટે બોલાવે છે. ચંચલ પહેલેથી જ તેના મંગેતર શક્તિ એટલે કે કરણ દેઓલના મર્ડરના કેસમાં જેલમાં હોય છે. ચંચલને ગેરકાયદેસર પૂછતાછ માટે જંગલની વચ્ચે આવેલી એક હવેલીમાં લઈ જવામાં આવે છે. આ એક ભૂતિયા હવેલી છે જે દુર્ગામતીની હોવાનું કહેવાય છે. જોકે પોલીસ પૂછતાછ માટે આવી હવેલી કેમ પસંદ કરે એ એક સવાલ છે.
આ ફિલ્મનો સૌથી મોટો પ્રૉબ્લેમ એની વાહિયાત સ્ક્રિપ્ટ છે. આટલી લાંબી ફિલ્મના બેથી વધુ કલાક તો સ્ટોરીને સેટ કરવામાં બગાડવામાં આવ્યો છે. તેમ જ સ્ક્રીનપ્લે પણ એટલો નબળો છે કે હવેલીને પૂરેપૂરી દેખાડવા માટે લગભગ 30 મિનિટ ફાળવવામાં આવી છે. નવું ઘર ખરીદતાં પહેલાં કોઈ વ્યક્તિ 30 મિનિટ સુધી એને ન જોતું હોય. ફિલ્મમાં જોવા જઈએ તો છેલ્લી ૩૦ મિનિટ જ જોવાલાયક છે, પરંતુ એમાં પણ ક્લાઇમૅક્સ જોઈને માથું દીવાલમાં મારવાનું મન થાય છે.
ભૂમિ પેડણેકર એક ઉમદા ઍક્ટર છે, પરંતુ આ ફિલ્મમાં તે માર ખાઈ ગઈ છે. તેનું પાત્ર મોટા ભાગે બૂમબરાડા પાડતું જોવા મળે છે અને ત્રિશૂલ ફેરવતી રહે છે. તે જે બોલે છે અને તેનાં ચહેરાનાં જે એક્સપ્રેશન છે એ મૅચ નથી થતું. તેના બોલવા કરતાં તેનાં એક્સપ્રેશન વધુ અગ્રેસિવ છે. જોકે તેને એક વધુ સારી સ્ક્રિપ્ટની જરૂર હતી. અર્શદ વારસી પણ તેના એકદમ નૉર્મલ પાત્રમાં જોવા મળ્યો હતો. તે એક એવો ઍક્ટર છે કે તેની બૉડી લૅન્ગ્વેજ દ્વારા પણ લોકોને એન્ગેજ કરીને રાખે છે, પરંતુ આ પાત્રમાં તેની પાસે એવું કંઈ કરવાનો પણ ચાન્સ નહોતો. બીજી તરફ માહી ગિલનું પાત્ર પણ ખૂબ જ સામાન્ય હતું. એક સી.બી.આઇ. ઑફિસરને વધુ દમદાર દેખાડી શકાઈ હોત. કરણ દેઓલે તેનું કામ સારી રીતે ભજવ્યું છે. જિશુ સેન અદ્ભુત ઍક્ટર છે અને તેને સ્ક્રીન પર વધુ જોવાની ઇચ્છા થાય છે, પરંતુ તેનું કામ પણ લિમિટેડ છે. સારા ઍક્ટર પાસે સારું કામ નથી કાઢી શકાયું એ સ્ક્રિપ્ટનો ખૂબ જ મોટો માઇનસ પૉઇન્ટ છે.
આ ફિલ્મની હાલત પણ ‘લક્ષ્મી’ જેવી થઈ છે. સાઉથની ફિલ્મ સારી હતી, પરંતુ હિન્દીમાં દમ નહોતો. ‘દુર્ગામતી’ને ઓરિજિનલ ફિલ્મના ડિરેક્ટર અશોક દ્વારા જ ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મમાં તેણે દૃશ્યોને સારી રીતે જોડ્યાં છે, પરંતુ ડિરેક્શન તેનું ઍવરેજ છે. બૅકગ્રાઉન્ડ સ્કોર થોડો સારો છે, કારણ કે તે દૃશ્ય પર વધુ હાવી નથી કરતું. તેમ જ આ ફિલ્મના સ્ક્રીનપ્લે અને ડિરેક્શનને લઈને ઘણા સવાલ થાય છે કે આ હવેલીમાં કેમ પૂછતાછ કરવામાં આવી? તેમ જ કન્ટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો તો રાતે કેમ કોઈ કન્ટ્રોલ રૂમમાં નથી હોતું? વારંવાર એક વ્યક્તિના પગ દેખાડવામાં આવે છે તો એનું શું?

bollywood bollywood news bollywood gossips bhumi pednekar entertainment news