પૈસાથી સાધનસંપત્તિ ખરીદી શકાય, શાંતિ નહીં : આશા ભોસલે

25 May, 2020 09:05 PM IST  |  Mumbai Desk | Agencies

પૈસાથી સાધનસંપત્તિ ખરીદી શકાય, શાંતિ નહીં : આશા ભોસલે

આશા ભોસલે

આશા ભોસલેનું કહેવું છે કે પૈસાથી તો ધનદોલત ખરીદી શકાય છે, પરંતુ એનાથી શાંતિ નથી મળતી. આશા ભોસલેએ તાજેતરમાં જ પોતાની યુટ્યુબ ચૅનલ શરૂ કરી છે. આ ચૅનલ પર તેઓ પોતાની લાઇફ, સ્ટ્રગલ્સ અને ઘણીબધી બાબતો શૅર કરશે. 

વર્તમાનમાં લૉકડાઉનને કારણે લોકો એકબીજાની નજીક આવ્યા છે. પરિવાર સાથે સમય પસાર કરે છે. જૂની યાદોને વાગોળે છે. એ વિશે આશા ભોસલેએ કહ્યું હતું કે ‘હું મારા પરિવાર સાથે રહું છું. મારા કુટુંબમાં મારો દીકરો, વહુ અને પૌત્રી છે. અમે સાથે મળીને ખૂબ સરસ રીતે સમય પસાર કરીએ છીએ. અમે હંમેશાં ફોન પર નથી હોતાં, પરંતુ એકબીજા સાથે સમય પસાર કરતાં જૂના ફોટોનાં આલબમ્સ જોઈએ છીએ. અમે જ્યારે નાનાં હતાં ત્યારે મારાં ભાઈ-બહેનો સાથે અને મમ્મી સાથે સમય પસાર કરતાં હતાં. પિતાના નિધન બાદ અમારા પરિવારને નાણાકીય રીતે ખૂબ કપરા સમયમાંથી પસાર થવું પડ્યું હતું. જોકે અમે બધા સાથે મળીને ગીતો ગાઈને, એકબીજા સાથે સ્ટોરીઝ શૅર કરીને એમાંથી ખુશી મેળવવાનો પ્રયાસ કરતા હતા. વાસ્તવિકતા એ છે કે પૈસાથી તમે એશોઆરામ ખરીદી શકો છો, પરંતુ સુકૂન ખરીદી નથી શકાતું. શાંતિ તો પોતાના લોકો સાથે જ મળે છે. કપરો સમય આપણને ઘણુંબધું શીખવાડે છે. સાથે જ આપણી ભારતીય પરંપરા એક કુટુંબની ભાવનાની યાદ પણ અપાવે છે. એકબીજાની પડખે ઊભા રહેવાનું. સમાજ અને પરિવારનો વિકાસ ત્યારે જ થશે જ્યારે આપણે એકબીજાની મદદ કરીશું. પહેલાંના સમયમાં અમે અઢળક પૈસા નહોતાં કમાતાં, ઓછી આવકને લઈને દુઃખ વ્યક્ત કરવાને બદલે અમે નાની-નાની બાબતોમાં ખુશી શોધી લેતાં હતાં. મને એવું લાગે છે કે આપણે ફરીથી એની શોધ કરવી જોઈએ, જે હાલના સમયમાં વિસરાઈ ગયું છે.’

bollywood asha bhosle bollywood news bollywood gossips