બાળપણમાં કપરા દિવસોને યાદ કરતાં અનુપમ ખેરે કહ્યું...

15 January, 2021 09:00 AM IST  |  Mumbai | Mumbai correspondent

બાળપણમાં કપરા દિવસોને યાદ કરતાં અનુપમ ખેરે કહ્યું...

બાળપણમાં કપરા દિવસોને યાદ કરતાં અનુપમ ખેરે કહ્યું...

અનુપમ ખેરે પોતાના બાળપણના દિવસોને યાદ કરતાં જણાવ્યું હતું કે તેમની મમ્મીએ તેમને સારી સ્કૂલમાં શિક્ષણ મળે એ માટે પોતાના દાગીના વેચી નાખ્યા હતા. બાળપણમાં તેમની આર્થિક સ્થિતિ સારી નહોતી. માતા-પિતા અને પરિવાર વિશે તેમનો ઇન્ટરવ્યુ હ્યુમન્સ ઑફ બૉમ્બેના ઇન્સ્ટાગ્રામ પર આવ્યો છે. મમ્મી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુપમ ખેરના ઇન્ટરવ્યુને કૅપ્શન આપી હતી કે ‘મને આજે પણ એ દિવસો યાદ છે જ્યારે મારી મમ્મી મને સ્કૂલમાં મૂકવા આવતી હતી. જતાં પહેલાં તે કહેતી હતી કે ‘તારો બેસ્ટ દિવસ આજે છે.’ એક બાળક તરીકે મને તેના પર ભરોસો હતો. તેમણે મને સપનાં જોવામાં મદદ કરી, અમે કેટલા ગરીબ છીએ એ ભુલવાડી દીધું. પપ્પાને મહિનામાં 90 રૂપિયા જ પગાર મળતો હતો. એથી મમ્મીએ અમને સારી સ્કૂલમાં ભણાવવા માટે પોતાના દાગીના વેચી નાખ્યા હતા. જોકે હું ભણવામાં ખૂબ નબળો હતો. એથી મમ્મી ખૂબ ચિંતિત રહેતી હતી. પપ્પા જો કદી અમને લાડ લડાવે તો મમ્મી તરત કહેતી હતી કે ઝ્યાદા તારીફ મત કરો. તેની ઇચ્છા હતી કે અમે ભણવામાં ધ્યાન આપીએ. એક વ્યક્તિ તરીકે મારું ઘડતર કરવામાં મમ્મીનું ખાસ યોગદાન છે. હું 10 વર્ષનો હતો જ્યારે અમારી સ્કૂલમાં એક સાધુ આવ્યા હતા. એથી તેમને આપવા માટે મમ્મીએ મને 5 પૈસા આપ્યા હતા. મેં તે સાધુને માત્ર 2 પૈસા જ આપ્યા અને બાકીના 3 પૈસા મેં મારી બૅગમાં રાખી દીધા હતા. મમ્મીએ જ્યારે એ વિશે પૂછ્યું તો મેં તેને જુઠ્ઠું કહ્યું હતું. બાદમાં તેને મારી બૅગમાંથી પૈસા મળ્યા તો જ્યાં સુધી મેં મારી ભૂલનો સ્વીકાર ન કર્યો ત્યાં સુધી તેણે મને ઘરની બહાર ઊભો રાખ્યો હતો. મમ્મીએ મને ઘરમાં ત્યારે જ લીધો જ્યારે મેં તેને વચન આપ્યું કે હું ભવિષ્યમાં કદી પણ ખોટું નહીં બોલું. તેના આપેલા સંસ્કાર લઈને માત્ર 37 રૂપિયા લઈને ઍક્ટર બનવા માટે હું મુંબઈ આવ્યો હતો. એ વખતે હું પ્લૅટફૉર્મ પર સૂતો હતો, પરંતુ મેં કદી પણ મમ્મીને એ જણાવ્યું નહીં. એક વખત મમ્મી બીમાર પડી તો તેણે મને જણાવ્યું નહીં. અમે બન્ને એકબીજાની કાળજી રાખતાં હતાં. બાદમાં મેં જ્યારે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું તો મમ્મીએ મને નમ્ર રહેતાં શીખવાડ્યુ. તેના મુજબ ‘તમે કેટલા પણ ઊંચા ઊડો, પરંતુ હંમેશાં વિનમ્ર રહેવાનું.’ પપ્પાના નિધન બાદ અમે ખૂબ ક્લોઝ આવી ગયાં હતાં. મારી મમ્મીએ પાર્ટનર અને મેં બેસ્ટ ફ્રેન્ડ ગુમાવ્યો હતો. તેમના ચૌથામાં મેં કહ્યું કે શોક પાળવાને બદલે તેમની લાઇફને સેલિબ્રેટ કરીએ. અમે બધાએ કલરફુલ કપડાં પહેર્યાં અને રૉક બૅન્ડને પણ બોલાવ્યું. અમે પપ્પા સાથેની યાદોને વર્ણવી હતી. મમ્મીએ કહ્યું કે ‘મને તો ખબર જ નહોતી કે મેં આટલા અદ્ભુત વ્યક્તિ સાથે લગ્ન કર્યાં હતાં.’ મારી મમ્મી મારી બેસ્ટ ફ્રેન્ડ બન્યા બાદ હું તેને અવૉર્ડ ફંક્શનમાં લઈ જતો હતો અને ફ્રેન્ડ્સ સાથે મળાવતો હતો. તે કંઈ પણ કહેતી તો હું તેની જાણ બહાર એને શૂટ કરવા લાગતો હતો. બાદમાં એ ઑનલાઇન પોસ્ટ કરતો એથી એ વાઇરલ થઈ જતું હતું. એથી મેં સતત તેના વિડિયોઝ પોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું. તેને તો જાણ પણ નહોતી કે હું તેનું શૂટિંગ કરી રહ્યો છું. એથી તે દરેક વિષય પર ચર્ચા કરતી હતી જેમાં તે વહુની બુરાઈ અથવા તો હેરફૉલ વિશે જણાવતી હતી. લોકોએ તેના સેલ્ફી લેવાનું શરૂ કર્યું ત્યાર બાદ જ તેને જાણ થઈ હતી. સેલ્ફીની તેને આદત નહોતી. એથી તે મને કહ્યા કરતી કે ‘ક્યા કરતા રહતા હૈ તૂ?’ હવે તે વધુ સજાગ બની ગઈ છે. હું હવે ચોરીછૂપીપેથી તેનું શૂટિંગ કરું છું. જોકે તે મને જ્યારે પણ જુએ છે તો પહેલો સવાલ એ જ પૂછે છે કે ‘આજ કૅમેરા કહાં છુપાકે રખા હૈ?’’

anupam kher bollywood bollywood news bollywood gossips