દીકરા સાથે કામ કરવા મિથુનદાની શરતો

22 November, 2011 10:11 AM IST  | 

દીકરા સાથે કામ કરવા મિથુનદાની શરતો



મિથુન ચક્રવર્તીએ અત્યાર સુધીમાં તેમના દીકરાની ફિલ્મોમાં ઍક્ટિંગ કરવાના વિકલ્પથી દૂર રહેવાનું જ પસંદ કર્યું છે. મિથુનદાને એક અંધશ્રદ્ધા છે કે તેમના દીકરાની ફિલ્મમાં કામ કરવાથી કદાચ સફળતા ન મળી શકે. જોકે હવે તેમણે એક આગામી ફિલ્મમાં કામ કરવાની હા પાડી છે, જોકે એ માટે તેમણે પોતાની ત્રણ શરતો મૂકી હતી અને એ પૂરી થવાની તેમણે ખાતરી કરી હતી.

મિથુનદા અને મહાક્ષયને સાથે ચમકાવતી ‘એનેમ્મી’ નામની આ ફિલ્મ પોલીસ-ઑફિસરોની સ્ટોરી હશે અને ‘દીવાનાપન’ તથા ‘અલગ’ના ડિરેક્ટર આશુ ત્રિખા આ ફિલ્મની કમાન સંભાળશે. મિથુનદાની પહેલી શરત એ હતી કે તેઓ ઇચ્છતા હતા કે ફિલ્મમાં તેમને અને મહાક્ષયને પિતા-પુત્ર તરીકે કાસ્ટ કરવામાં ન આવે. તેમની બીજી શરત એ હતી કે તેમને સાથે કોઈ ડાન્સ-સીક્વન્સમાં બતાવવામાં નહીં આવે અને ત્રીજી શરત તેઓ ફિલ્મના મુરતમાં હાજરી નહીં આપે. તેમની આ શરતો માની લેવામાં આવી હતી. જોકે મિથુનદા માને છે કે તેઓ કોઈ ફિલ્મના મુરતમાં નથી ગયા, કારણ કે આ બાબતે તેઓ ઘણા અંધશ્રદ્ધાળુ છે અને તેમના દીકરાની ફિલ્મ માટે તો એનું પ્રમાણ ડબલ થઈ જતું હોય છે.