સૅન્ડીમાં સપડાયો મિકા સિંહ

31 October, 2012 05:40 AM IST  | 

સૅન્ડીમાં સપડાયો મિકા સિંહ



અમેરિકાના ઈસ્ટ કોસ્ટ પર હાલમાં સૅન્ડી નામના વાવાઝોડાનો આતંક છવાયેલો છે ત્યારે લગભગ આખો વિસ્તાર બંધ છે અને આવી પરિસ્થિતિમાં સિંગર મિકા સિંહ અટવાઈ ગયો છે. મિકા મ્યુઝિક કૉન્સર્ટ માટે અમેરિકા ગયો હતો, પણ હવે મોટા ભાગનો સમય પોતાની ટીમના સભ્યો માટે ભોજન બનાવીને પસાર કરી રહ્યો છે. હાલમાં મિકા અને તેની ટીમ હોટેલ છોડવા માટે ઑથોરિટીની પરવાનગીની રાહ જોઈ રહી છે.

આ પરિસ્થિતિ વિશે વાત કરતાં મિકાની નજીકની એક વ્યક્તિ જણાવે છે, ‘ભારે વાવાઝોડાની આગાહી હોવા છતાં મિકાનો ડીસી ખાતેનો આગલા દિવસનો શો હાઉસફુલ હતો. હાલમાં મિકા અમેરિકા અને કૅનેડાની ટૂરમાં બિલકુલ મિડલમાં છે ત્યારે સૅન્ડીની સમસ્યા ઊભી થઈ છે. હાલમાં તે જ્યાં રહે છે ત્યાં વીજળી નથી. મિકા બહુ સારી રસોઈ બનાવી શકે છે એને કારણે હાલમાં પોતાના ટીમ-મેમ્બર્સ માટે તે રસોઈ બનાવીને સમય પસાર કરી રહ્યો છે.’

ડીસીથી ‘મિડ-ડે’ સાથે ખાસ વાતચીત કરતાં મિકાએ કહ્યું છે, ‘હાલના તબક્કે તો અમને હોટેલની બહાર નીકળવાની પરવાનગી નથી અને પાવર-કટ પણ છે. હાલમાં અમારી પાસે હોટેલની અંદર રહીને અલર્ટ રહ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. જો તેઓ મને પરવાનગી આપશે તો મને મુશ્કેલીમાં ફસાયેલા લોકોની મદદ કરી રહેલા અગ્નિશામક દળ સાથે કામ કરવાનું ગમશે. અત્યારે તો હું રસોઈ બનાવીને મારાથી બનતી મદદ કરી રહ્યો છું.’