23 August, 2025 07:15 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વિશ્વંભરા
સાઉથની ફિલ્મોના મેગાસ્ટાર અભિનેતા ચિરંજીવીના જન્મદિવસના અવસરે તેમની ફિલ્મ ‘વિશ્વંભરા’ની એક ખાસ બર્થડે ઝલક રજૂ કરવામાં આવી છે. આ ઝલખને ભારતીય સિનેમાની સૌથી મહાત્વાકાંક્ષી સોશિયો-ફેન્ટેસી ફિલ્મોમાંની એક તરીકે જોવામાં આવી રહી છે. આ ફિલ્મનું નિર્દેશન વશિષ્ઠે કર્યું છે અને તેને યૂવી ક્રિએશન્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે.
યૂવી ક્રિએશન્સના વિક્રમ, વામસી અને પ્રમોદ દ્વારા સંયુક્ત રીતે પ્રોડ્યુસ, અને હવે અભિષેક અગ્રવાલ આર્ટ્સના જોડાવાથી વધુ ભવ્ય બનેલી આ ફિલ્મ 2026નાં સમરમાં તેલુગુ, હિન્દી, તમિળ, કન્નડ અને મલયાળમ ભાષાઓમાં મોટા પાયે રિલીઝ કરવામાં આવશે. મોટા વિકાસ રૂપે, અભિષેક અગ્રવાલ આર્ટ્સે ફિલ્મને હિન્દી ભાષામાં રજૂ કરવાની જવાબદારી લીધી છે, જેના કારણે આ ફિલ્મ આખા દેશમાં વધુ વ્યાપક પ્રેક્ષકો સુધી પહોંચશે.
નિર્માતા અભિષેક અગ્રવાલ, જેમણે કાર્તિકેય 2, કશ્મીર ફાઇલ્સ, અને બંગાળ ફાઇલ્સ જેવી ફિલ્મો બનાવી છે, તેમણે જણાવ્યું: “વિશ્વંભરા સાથે અમે તેલુગુ સિનેમાની શક્તિ અને ભવ્યતાને આખા ભારતના દર્શકો સુધી લઈ જઈ રહ્યા છીએ. અભિષેક અગ્રવાલ આર્ટ્સમાં, અમે માનીએ છીએ કે વાર્તાઓ મોટી અને પ્રભાવશાળી હોવી જોઈએ, અને વિશ્વંભરા એ ભારતીય પૌરાણિક કથાઓ પર આધારિત એક હાઈ-કોન્સેપ્ટ ફેન્ટસી ફિલ્મ છે, જે વૈશ્વિક સ્તર માટે તૈયાર કરવામાં આવી છે. સિનેમાની કોઈ સીમા નથી હોતી, અને આ મહાકાવ્યને હિન્દી ભાષામાં રિલીઝ કરવાથી તે સમગ્ર દેશ અને વિશ્વના દર્શકો સુધી પહોંચશે. મેગાસ્ટાર ચિરંજીવી ગરુ, દુરદ્રષ્ટિ ધરાવતા નિર્દેશક વશિષ્ઠ, મહાન સંગીતકાર એમ. એમ. કીરવાણી ગરુ અને યૂવી ક્રિએશન્સના મારા પ્રિય મિત્રોના સાથથી આ સપનાને હકીકતમાં બદલવું એ મારા માટે ગૌરવની વાત છે.”
ફિલ્મમાં ચિરંજીવી, ત્રિશા કૃષ્ણન, અશિકા રંગનાથ અને કુનાલ કપૂર મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળવાના છે, જ્યારે મૌની રોય એક ખાસ ગીતમાં કૅમિયો કરતી જોવા મળશે. ફિલ્મનું સંગીત એમ.એમ. કીરવાણી અને ભીમ્સ સેસિરોલિયોએ બનાવ્યું છે. સિનેમેટોગ્રાફી ચૂટા કે. નાયડૂએ અને પ્રોડક્શન ડિઝાઇન એ. એસ. પ્રકાશે કરી છે.
લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી સન્માનિત ચિરંજીવી
તેલુગુ સિનેમાના સુપરસ્ટાર ચિરંજીવીને લંડનસ્થિત થિન્કટૅન્ક બ્રિજ ઇન્ડિયા દ્વારા UKના હાઉસ ઑફ કૉમન્સમાં ‘સાંસ્કૃતિક પ્રભાવ અને જાહેર સેવા’ માટે લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમનું આયોજન બ્રિટિશ-ભારતીય સાંસદ નવેન્દુ મિશ્રાએ કર્યું હતું. સુપરસ્ટાર ચિરંજીવીએ પણ થિન્કટૅન્ક અને હાઉસ ઑફ કૉમન્સનો સન્માન માટે આભાર માન્યો અને લખ્યું કે ટીમ બ્રિજ ઇન્ડિયા દ્વારા એનાયત કરાયેલા લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી ખૂબ ખુશ છું.
ચિરંજીવીએ પોતાના ઇન્સ્ટા અકાઉન્ટમાં સમારોહની ઘણી તસવીરો શૅર કરીને લખ્યું કે ‘શબ્દો પૂરતા નથી... પરંતુ મારાં દરેક પ્રિય ફૅન, ભાઈ, બહેન, મારા ફિલ્મી પરિવાર, શુભચિંતકો, મિત્રો અને મારા પરિવારના તમામ સભ્યો અને દરેક તે વ્યક્તિનો દિલથી આભાર જેમણે દરેક રીતે મારી યાત્રામાં યોગદાન આપ્યું. આ સન્માન મને વધુ ઉત્સાહ સાથે મારું કામ ચાલુ રાખવા માટે પ્રેરિત કરે છે. તમને બધાને તમારા સુંદર, શુભેચ્છાભર્યા સંદેશાઓ બદલ પ્રેમ.’