મીનાકુમારીએ યશ ચોપડાને હીરો અને વૈજયંતીમાલાએ ડિરેક્ટર બનવા કહેલું

22 October, 2012 06:12 AM IST  | 

મીનાકુમારીએ યશ ચોપડાને હીરો અને વૈજયંતીમાલાએ ડિરેક્ટર બનવા કહેલું



૨૭ સપ્ટેમ્બરે યશ ચોપડાનો જન્મદિન હતો અને અંધેરીના યશરાજ સ્ટુડિયોમાં બૉલીવુડના કિંગ ગણાતા શાહરુખ ખાને તેમનો લાઇવ ઇન્ટરવ્યુ લીધો હતો જેમાં તેમણે એવી કેટલીક વાતો કરી હતી જેની લોકોને ખબર નહોતી. એ વાતો તેમના જ શબ્દોમાં:

મને કવિતા વિશે ખૂબ આદર હતો અને એ સમયની મશહૂર હિરોઇન મીનાકુમારી માટે એક કવિતા લખી હતી. મીનાકુમારી ‘ચાંદની ચોક’ ફિલ્મ કરી રહી હતી અને એ ફિલ્મમાં હું અસિસ્ટન્ટ હતો. મને કવિતા લખવાનો શોખ હતો અને નાની-નાની પંક્તિઓ લખતો હતો. મીનાકુમારીને પણ કવિતાઓ ગમતી હતી. અમે સેટ પર સાથે રહેતાં હોવાથી સારા મિત્રો બની ગયાં. મને મીનાકુમારીએ ઍક્ટર બનવા કહ્યું. જોકે મેં તેને જણાવી દીધું કે હું એટલું ઝડપથી બોલું છું કે ફિલ્મ વહેલી પૂરી થઈ જશે. હું પંજાબી છોકરો હતો અને મારા માથે ખૂબ જ વાળ હતા, પણ હવે એ જતા રહ્યા છે. મારી ટાલ બૉલીવુડે મને આપેલી ગિફ્ટ છે.

મારા ભાઈ બી. આર. ચોપડાની ફિલ્મ ‘સાધના’ માટે હું કામ કરી રહ્યો હતો ત્યારે ફિલ્મની હિરોઇન વૈજયંતીમાલાએ મને ડિરેક્ટર તરીકે કામ પર વધુ ધ્યાન આપવા કહ્યું હતું.

દિલીપકુમારે ‘મશાલ’ માટે ના પાડી હતી

ફિલ્મ ‘મશાલ’ માટે દિલીપકુમારે શરૂઆતમાં ના પાડી દીધી હતી એટલે મેં તેમને મારા ઘરે જમવા બોલાવ્યા હતા અને તેમને ભાવતી હોય એવી ડિશો બનાવવા માટે સૂચના આપી હતી. દિલીપકુમાર સાથે સીન-બાય-સીન સ્ટોરી ડિસ્કસ કર્યા બાદ જમ્યા પછી તેમણે હા પાડી હતી.