25 April, 2026 02:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘12th ફેલ’ની સફળતા પછી મારા માટે માગાં આવતાં બંધ થઈ ગયાં
મેધા શંકર હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘ગિન્ની વેડ્સ સનની 2’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં દિલ્હીની એક ચુલબુલી યુવતી અને નાના શહેરના શરમાળ યુવકના માધ્યમથી અરેન્જ્ડ મૅરેજમાં આવતી મુશ્કેલીઓની વાત કરવામાં આવી છે. આ ફિલ્મના પ્રમોશન વખતે મેધા શંકરે જણાવ્યું હતું કે હવે મને કોઈ મૅરેજ-પ્રપોઝલ નથી મળતી.
ફિલ્મ ‘12th ફેલ’ની સફળતા બાદ મેધાને ‘નૅશનલ ક્રશ’ તરીકે ઓળખ મળેલી હતી, પણ આમ છતાં તેને મૅરેજ-પ્રપોઝલ નથી મળતી. એની પાછળનું કારણ જણાવતાં મેધાએ કહ્યું હતું કે, ‘12th ફેલ’ પહેલાં મારાં સગાં-સંબંધીઓ વારંવાર મારા માટે લગ્નના પ્રસ્તાવો લાવતાં હતાં અને તેઓ ઇચ્છતાં હતાં કે હું અરેન્જ્ડ મૅરેજ કરું. ઘણા લોકોને લાગતું હતું કે અભિનય માત્ર મારો શોખ છે અને હું થોડાં વર્ષોમાં ઘરે પરત ફરી જઈશ. જોકે ‘12th ફેલ’ની સફળતા બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ. હવે મારાં સગાં-સંબંધીઓને લાગ્યું કે મારી કરીઅર આગળ વધી ગઈ છે જેના કારણે હવે કોઈ પણ મારા માટે લગ્નના પ્રસ્તાવો લઈને આવતું નથી.’