17 December, 2025 12:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનની ગણતરી બૉલીવુડના પાવર કપલ તરીકે થાય છે. હાલમાં સૈફે એક ઇન્ટરવ્યુમાં તેમના ડેટિંગ દિવસોને યાદ કર્યા અને કરીનાનાં ખૂબ વખાણ કર્યાં. સૈફે આ ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું કે તેને શરૂઆતમાં કરીનાને અન્ય અભિનેતાઓ સાથે કામ કરતાં જોઈને ઈર્ષા અને અસુરક્ષા થતી હતી.
પોતાના આ ઇન્ટરવ્યુમાં સૈફે કહ્યું હતું કે ‘શરૂઆતમાં કરીના સાથે સામાન્ય વર્તન કરવું સરળ નહોતું. કદાચ મને થોડી ઈર્ષા થતી હતી અને સમજાતું નહોતું કે અન્ય ઍક્ટર્સ સાથે તેના કામ પર કેવી પ્રતિક્રિયા આપું. મેં અગાઉ એવી છોકરીઓ સાથે ડેટિંગ કર્યું હતું જેમનો ફિલ્મોથી કોઈ સંબંધ નહોતો એટલે મારા સ્પર્ધકો જ મારી પત્નીના કો-સ્ટાર્સ હોય એ મને ખટકતું હતું, પણ પ્રેમ બધા પર જીત મેળવે છે. મારા માટે કરીનાની ખુશી સૌથી મહત્ત્વની છે. તે ખરેખર અદ્ભુત મહિલા છે. કૅમેરા સામે તે ખૂબ ક્રીએટિવ છે, પરંતુ અમારી સાથે પણ તે એટલી જ ક્રીએટિવ છે. તે સ્ટાર તો છે પણ એ ઉપરાંત તેનામાં મા, પત્ની અને ગૃહિણીના ગુણ પણ છે.’