04 September, 2022 01:22 PM IST | Mumbai | Bhavya Gandhi
સુપ્રિયા પાઠક
સુપ્રિયા પાઠક મારાં ફેવરિટ ઍક્ટ્રેસ તો પહેલેથી જ, પણ ‘કહેવતલાલ પરિવાર’માં તેમની સાથે કામ કરવાનો મોકો મળ્યા પછી હું કહીશ કે તેઓ વ્યક્તિગત રીતે પણ મારાં ફેવરિટ બની ગયાં છે. અનબિલીવેબલ કૂલનેસ છે તેમનામાં. અડધી જ સેકન્ડમાં સુપ્રિયાબહેન પોતાના કૅરૅક્ટરમાં આવી જાય અને એનાથી પણ આગળની વાત કહું તો એક જ સેકન્ડમાં તેઓ સીનનો ટેમ્પરામેન્ટ પકડીને એ ટેમ્પરામેન્ટ સાથે કનેક્ટ થઈ જાય.
સીનમાં તેઓ લાલચોળ હોય અને સામેવાળો જીવતો સળગી જાય એ પ્રકારના મૂડમાં હોય, પણ સીન શરૂ થાય એ પહેલાં તમે તેમને જુઓ તો માની જ ન શકો કે આ લેડી હવે આવો સીન કરશે. એકદમ કૂલ, શાંત અને મસ્ત મૂડમાં બેઠાં હોય અને ડિરેક્ટરનું ‘ઍક્શન’ આવે કે બીજી જ ક્ષણે તેમના ચહેરાના હાવભાવથી માંડીને બૉડી-લૅન્ગ્વેજ સુધ્ધાં ચેન્જ થઈ જાય. આ એક જન્મજાત ઍક્ટરની ખાસિયત છે, પણ સુપ્રિયાબહેન તો એ બધાથીયે ક્યાંય આગળ છે.
પોતાનો સીન હોય એટલે તેઓ સેટ પર પહોંચી ગયાં હોય. વૅનિટી વેનમાં તો એસી હોય એટલે વાંધો ન આવે, પણ સેટ પર તો લોકેશન મુજબની સગવડ હોય અને એ સગવડને ધ્યાનમાં રાખીને સુપ્રિયાબહેન જ્યાં સૌથી ઠંડું વાતાવરણ હોય એવી જગ્યાએ જઈને બેસી જાય. જો ફાઉન્ટન એસી કે પછી બીજું કશું ન હોય તો તેઓ ફૅન પાસે જઈને ગોઠવાઈ જાય. જેવો ચિલ્ડ સ્વભાવ એવું જ ચિલ્ડ ઍટ્મૉસ્ફિયર તેમને જોઈએ.
બેઠાં-બેઠાં પણ તેમની વાતો ચાલુ જ હોય અને સીન પર ધ્યાન પણ હોય. તેઓ સીન કેવી રીતે ઑબ્ઝર્વ કરતાં એ જોવાનું કામ મેં સતત કર્યું હતું. સીનમાં જે પ્રકારનાં એક્સપ્રેશન ચાલતાં હોય એવાં જ એક્સપ્રેશન તેમના ફેસ પર પણ આવતાં હોય. હું અહીં બીજાના સીનની વાત કરું છું, જે સીનમાં સુપ્રિયાબહેન પોતે હોય નહીં તો પણ તેમના ચહેરા પર એ દરેક ફીલિંગ પકડાતી જતી હોય. પોતાનો સીન આવે એ પહેલાં તેમણે આખો સીન રેડી કરી લીધો હોય. કોઈ બેટરમેન્ટ પણ જો તેમણે લીધાં હોય તો તે એની ચર્ચા પણ પહેલેથી જ ડિરેક્ટર સાથે કરી લે અને ખરું કહું તો એ બેટરમેન્ટ પણ એવાં જ હોય કે કોઈ ના ન પાડી શકે.
સુપ્રિયાબહેને કરેલી ફિલ્મો તમે જુઓ. તમને રીતસર ખબર પડે કે તેઓ ખરા અર્થમાં લેજન્ડ છે. અમે શૂટ કરતાં હતાં એ દરમ્યાન તેમણે મને તેમની એક ફિલ્મ જોવાનું કહ્યું હતું. ફિલ્મનું ટાઇટલ છે ‘બાઝાર’. ૧૯૮૨માં આવેલી એ ફિલ્મ સમયે મારો તો જન્મ પણ નહોતો થયો, પણ મને ખરેખર અફસોસ થયો હોત જો મેં એ ફિલ્મ જોઈ ન હોત.
એક તો સુપ્રિયાબહેનને કારણે અને બીજો સંજયભાઈને કારણે થયો હોત. સંજયભાઈ એટલે સંજય ગોરડિયા. મને ખબર જ નહોતી કે તેઓ એ ફિલ્મ સાથે જોડાયેલા હતા. એ પણ મને ‘બાઝાર’ જોયા પછી ખબર પડી. ઍનીવે, સ્મિતા પાટીલ, ફારુક શેખ, નસીરુદ્દીન શાહ અને સુપ્રિયા પાઠક સ્ટારર એ ફિલ્મ તમે જુઓ તો તમને ખબર પડે કે સુપ્રિયાબહેનની રેન્જ કેવી જબરદસ્ત છે. ‘બાઝાર’ જ નહીં, તમે તેમની કોઈ પણ ફિલ્મ કે વેબસિરીઝ જોઈ લો. અરે ‘ખિચડી’ સિરિયલ પણ જોઈ લો. આખેઆખી રેન્જ જ એવી છે કે તમે વિચારી પણ ન શકો કે એક ઍક્ટરમાં આટલા શેડ્સ હોય અને એ પણ બધેબધા શેડ્સ એકદમ નૅચરલી દેખાડવામાં આવતા હોય.
વેબસિરીઝ ‘ટબ્બર’ તમે જોઈ ન હોય તો જોજો એક વાર. તમારી આંખો ચાર થઈ જશે. દીકરાને બચાવવા માટે મેદાનમાં ઊતરેલાં માબાપના રોલમાં તમને સુપ્રિયાબહેન અને પવન મલ્હોત્રા રીતસર ધ્રુજાવી જશે. એમએક્સ પ્લેયર પર આવેલી ‘કાર્ટલ’ વેબસિરીઝ જુઓ. રાની માઈનું કૅરૅક્ટર જે રીતે સુપ્રિયાબહેને નિભાવ્યું છે એ જોઈને કોઈ કહી ન શકે કે તે લેડીને અન્ડરવર્લ્ડ સાથે સંબંધ નથી! એવું જ લાગે કે તેઓ આજે પણ અન્ડરવર્લ્ડ ડૉન છે. એવું જ કૅરૅક્ટર તેમણે ‘રામલીલા’માં કર્યું હતું.
હૅટ્સ ઑફ સુપ્રિયાબહેન.
તેમને જોવા, તેમને ઑબ્ઝર્વ કરવા અને તેમની પાસેથી સતત શીખતા રહેવું એ પણ તો જ શક્ય બને જો રંગદેવતા તમારા પ્રસન્ન હોય.