ઑસ્કર 2027 માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે મરાઠી ફિલ્મ ગોંધળની પસંદગી

19 September, 2026 02:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બે કલાકનો રનટાઇમ ધરાવતી મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ ગ્રામીણ મહારાષ્ટ્રની લોકપરંપરા અને ધાર્મિક વિધિ પર આધારિત સાઇકોલૉજિકલ થ્રિલર છે. ફિલ્મનું લેખન અને દિગ્દર્શન સંતોષ દાવખરે કર્યું છે.

ઑસ્કર 2027 માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે મરાઠી ફિલ્મ ગોંધળની પસંદગી

ફિલ્મ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ને ૯૯મા ઍકૅડેમી અવૉર્ડ્‌સ એટલે કે ઑસ્કર 2027 માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. આ એક થ્રિલર ફિલ્મ છે જે ઑસ્કર સમારોહમાં ‘બેસ્ટ ઇન્ટરનૅશનલ ફીચર ફિલ્મ’ કૅટેગરીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ વખતે ઑસ્કરની રેસમાં ભારત તરફથી કુલ ૩૩ ફિલ્મો સામેલ થઈ હતી જેમાંથી પસંદગી સમિતિએ ‘ગોંધળ’ના નામ પર મહોર મારી છે.
આ વર્ષે ઑસ્કર માટે દેશભરની અલગ-અલગ ભાષાઓમાંથી કુલ ૩૩ ફિલ્મો ફિલ્મ ફેડરેશન ઑફ ઇન્ડિયા પાસે મોકલવામાં આવી હતી. એમાં સૌથી વધુ ૧૪ ફિલ્મો હિન્દી ભાષાની હતી. આ યાદીમાં મરાઠી, તેલુગુ અને ગુજરાતી ભાષાની ૪-૪ ફિલ્મો, તામિલની ૩ ફિલ્મો તથા મલયાલમ અને નાગામીઝ ભાષાની એક-એક ફિલ્મ સામેલ હતી.

શું છે ગોંધળની સ્ટોરી?

બે કલાકનો રનટાઇમ ધરાવતી મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ ગ્રામીણ મહારાષ્ટ્રની લોકપરંપરા અને ધાર્મિક વિધિ પર આધારિત સાઇકોલૉજિકલ થ્રિલર છે. ફિલ્મનું લેખન અને દિગ્દર્શન સંતોષ દાવખરે કર્યું છે. ફિલ્મની વાર્તા નવપરિણીત દંપતી આનંદ અને સુમનના ઘરે આયોજિત રાતભર ચાલતા ગોંધળના ધાર્મિક અનુષ્ઠાનની આસપાસ ફરે છે. પૂજા-પાઠ અને ઉત્સવ દરમ્યાન ગામના લોકો વચ્ચે દબાયેલા જૂના વિવાદો, વ્યક્તિગત અદાવતો અને રાજકીય તનાવ બહાર આવવા લાગે છે.
‘ગોંધળ’માં સુમનનું પાત્ર ઇશિતા દેશમુખે ભજવ્યું છે. ગામના પાટીલનો દીકરો સરજેરાવ સુમન સાથે લગ્ન ન થઈ શકવાને કારણે નારાજ હતો. તે આ લગ્નને સ્વીકારી શકતો નથી અને 
ધીમે-ધીમે પવિત્ર ધાર્મિક અનુષ્ઠાન ક્રાઇમ અને સસ્પેન્સ ડ્રામામાં બદલાઈ જાય છે. ફિલ્મમાં કિશોર કદમ, ઇશિતા દેશમુખ, યોગેશ સોહણી, નિષાદ ભોઇર અને સુરેશ વિશ્વકર્માએ મુખ્ય ભૂમિકાઓ ભજવી છે. આ ફિલ્મનું સંગીત જાણીતા સંગીતકાર ઇલૈયારાજાએ તૈયાર કર્યું છે. ફિલ્મના ડિરેક્ટર સંતોષ દાવખરને આ ફિલ્મના ડિરેક્શન માટે ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં ‘સિલ્વર પીકૉક’ એટલે કે બેસ્ટ ડિરેક્ટરનો અવૉર્ડ પણ મળી ચૂક્યો છે.

bollywood buzz bollywood news oscars oscar award bollywood gossips bollywood entertainment news