18 June, 2025 08:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મન્નારાએ પિતાના અવસાન પર શોક વ્યક્ત કરવા માટે તેના સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું
ઍક્ટ્રેસ અને ‘બિગ બૉસ’ની ભૂતપૂર્વ સ્પર્ધક મન્નારા ચોપડાના પિતા રમણરાય હાંડાનું સોમવારે અવસાન થયું હતું. તેઓ ૭૨ વર્ષના હતા અને છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. રમણરાય હાંડા પહેલાં દિલ્હી હાઈ કોર્ટમાં વકીલ હતા, પણ છેલ્લા કેટલાક સમયથી મુંબઈ રહેતા હતા અને તેમનું મુંબઈમાં અવસાન થયું. તેમના પરિવારમાં પત્ની કામિની અને દીકરીઓ મન્નારા તથા મિતાલી ચોપડા છે. રમણરાય હાંડાનાં પત્ની કામિની ચોપડા પ્રિયંકા ચોપડાના પપ્પા અશોક ચોપડાનાં સગાં બહેન છે.
મન્નારાએ પિતાના અવસાન પર શોક વ્યક્ત કરવા માટે તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર લખ્યું છે, ‘અત્યંત દુઃખ અને શોક સાથે અમે પ્રિય પિતાના દુખદ અવસાનની જાણ કરીએ છીએ. તેઓ અમારા પરિવારનો મજબૂત આધારસ્તંભ હતા.’
મંગળવારે પ્રિયંકાએ તેના સોશ્યલ મીડિયા હૅન્ડલ પર રમણરાય હાંડા માટે લાગણીભરી પોસ્ટ લખી હતી ઃ ‘તમે હંમેશાં અમારા દિલમાં રહેશો. શાંતિથી આરામ કરો, રમણઅંકલ (ફુફાજી). ઓમ શાંતિ.’ પ્રિયંકાએ આ પોસ્ટમાં મન્નારા, તેની બહેન મિતાલી અને તેમની મમ્મી કામિની ચોપડા હાંડાને પણ ટૅગ કર્યાં હતાં.