`મન કી બાત @100` સંમેલનમાં પહોંચ્યા આમિર ખાન, રવીના ટંડન, પીએમ મોદીના કર્યા વખાણ

26 April, 2023 08:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાજધાની દિલ્હીમાં આયોજિત કાર્યક્રમ મન કી બાત @ 100 કાર્યક્રમમાં અભિનેતા આમિર ખાન અને રવીના ટંડન પણ પહોંચ્યા. આમિર ખાને કહ્યું કે, આ કાર્યક્રમની લોકો પર ઊંડી અસર પડી છે અને આ ઐતિહાસિક છે.

આમિર ખાન (ફાઈલ તસવીર)

પ્રસાર ભારતીએ રાજધાની દિલ્હીમાં `મન કી બાત @100` કાર્યક્રમનું આયોજન કર્યું જેમાં એ 100 જણને બોલાવવામાં આવ્યા હતા જેમના વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના રેડિયો કાર્યક્રમમાં વાત કરી ચૂક્યા છે. બૉલિવૂડ અભિનેતા આમિર ખાન અને અભિનેત્રી રવીના ટંડન પણ આ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યાં હતાં. આમિર ખાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમના વખાણ કર્યા. તેમણે કહ્યું, આ ખૂબ જ મોટી વાત છે કે દેશના નેતા લોકો સાથે વાત કરે છે અને પોતાના વિચાર રજૂ કરે છે. લોકોની સલાહ પણ લે છે. તેમણે કહ્યું, મન કી બાત કાર્યક્રમનો લોકો પર ખૂબ જ ઊંડો પ્રભાવ પડ્યો છે. આ એક ખૂબ જ ઐતિહાસિક ઘટના છે.

નોંધનીય છે કે 30 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના 100મા `મન કી બાત` કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરશે. પ્રસાર ભારતીએ આ અવસરે સંમેલનનું આયોદન કર્યું. આ સંમેલનમાં અભિનેતા આમિર ખાન, રવીના ટંડન, પુદુચેરીના રાજ્યપાલ કિરણ બેદી, ખેલાડી નિકહત ઝરીન અને દીપા મલિક, સંગીતકાર રિક્કી કેઝ જેવી અનેક હસ્તિઓ સામેલ થઈ હતી.

આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ મુખ્ય અતિથિ છે. આ કાર્યક્રમ ચાર સત્રમાં પૂરું થશે. પહેલા સત્રનું નામ `નારી શક્તિ` રાખવામાં આવ્યું. બીજા સત્રનું નામ વિરાસતથી ઉત્થાન, ત્રીજું સત્ર જન સંવાદથી આત્મનિર્ભરતા, ચોથા સત્રનો વિષય આહ્વાનથી જન આંદોલન સુધી રાખવામાં આવ્યો છે. 

આ પણ વાંચો : Jawan:હાઈકૉર્ટે સોશિયલ મીડિયા પરથી SRKની ફિલ્મની લીક ક્લિપ ખસેડવાનો આપ્યો આદેશ

આ કાર્યક્રમના સમાપન સત્રને ગૃહમંત્રી અમિત શાહ સંબોધિત કરશે. આ અવસરે એક સ્ટેમ્પ અને સિક્કાનું પણ લોકાર્પણ કરવામાં આવશે. કાર્યક્રમમાં કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવ, સૂચના પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર અને નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરી સહિત અનેક અન્ય નેતા પણ હાજર રહેશે.

aamir khan mann ki baat narendra modi national news raveena tandon