મનીષા કોઈરાલાનો ઇરાદો ભવિષ્યમાં નેપાલના રાજકારણમાં એન્ટ્રી લેવાનો

03 October, 2012 03:02 AM IST  | 

મનીષા કોઈરાલાનો ઇરાદો ભવિષ્યમાં નેપાલના રાજકારણમાં એન્ટ્રી લેવાનો



બૉલીવુડ સાથે સંકળાયેલા અનેક કલાકારોએ રાજકારણમાં જોડાવાનું પસંદ કર્યું છે. આવા સંજોગોમાં હાલમાં ‘ભૂત ૨’થી બૉલીવુડમાં કમબૅક કરી રહેલી મનીષા કોઇરાલાએ ભવિષ્યમાં નેપાલના રાજકારણમાં જોડાવાનો પોતાનો ઇરાદો સ્પષ્ટ કર્યો છે. જોકે હાલમાં તો તે પોતાની ફિલ્મી કરીઅર પર જ ધ્યાન આપવા માગે છે. તે હિન્દી ફિલ્મોની સાથોસાથ તામિલ, તેલુગુ, બંગાળી, મલયાલમ અને નેપાલી ફિલ્મોમાં પણ કામ કરી રહી છે. પોતાના ભવિષ્યના આયોજન વિશે વાત કરતાં મનીષા કહે છે, ‘હું ભવિષ્ય વિશે કોઈ ધારણા ન કરી શકું, પણ રાજકારણ મારે માટે સારો વિકલ્પ બની શકે છે. હાલમાં હું આ વિકલ્પ પર સ્પષ્ટ શબ્દોમાં ચોકડી નથી મારતી, કારણ કે ભવિષ્યમાં શું થવાનું છે એની કોઈને ખબર નથી હોતી.’

નોંધનીય છે કે નેપાલના કાઠમંડુમાં જન્મેલી મનીષાનો પરિવાર ત્યાંના રાજકારણ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલો હોવાને કારણે તે નેપાલના રાજકારણના આટાપાટાથી સારી રીતે વાકેફ છે. તેના દાદા બિશ્વેશ્વરપ્રસાદ કોઇરાલા અને દાદાના બે દિવંગત ભાઈઓ ગિરિજાપ્રસાદ તથા માત્રિકાપ્રસાદ કોઇરાલા નેપાલના વડા પ્રધાન રહી ચૂક્યા છે. મનીષાના પિતા પ્રકાશ કોઇરાલાની ગણતરી પણ અગ્રગણ્ય રાજકારણી તરીકે થાય છે. આજે પણ મનીષા વર્ષમાં બેથી ત્રણ વખત નેપાલ જાય છે.

બૉલીવુડમાં નેપાલી બ્યુટી

નેપાલની બ્યુટી મનીષા કોઇરાલા હિન્દી ફિલ્મમાં કરીઅર બનાવવા બૉલીવુડમાં આવી એ પહેલાં અહીં નેપાલથી એકમાત્ર હિરોઇન માલા સિંહા આવી હતી. બૉલીવુડમાં નેપાલની યુવતીઓની ઓછી હાજરીના કારણ વિશે જણાવતાં મનીષા કહે છે, ‘નેપાલી યુવતીઓ કુદરતી રીતે જ સુંદર હોય છે. ત્યાંની લોકલ ફિલ્મ-ઇન્ડસ્ટ્રી પણ બહુ વિકસેલી હોવાને કારણે નેપાલી યુવતીઓ બને ત્યાં સુધી કામ માટે નેપાલની બહાર જવાનું પસંદ નથી કરતી.’