✕

એક મહાન અભિનેતા અને અભિનયકળાના સાચા દિગ્ગજના નિધનથી હું અત્યંત દુઃખી છું

09 October, 2026 01:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક સમયે નાના પાટેકર સાથેની રિલેશનશિપને કારણે ચર્ચાસ્પદ બનેલી મનીષા કોઇરાલાએ અંગત સંબંધોનો ઉલ્લેખ કર્યા વગર ઍક્ટરને શ્રદ્ધાંજલિ આપી

મનીષા કોઇરાલાએ નાના પાટેકરને યાદ કરીને સોશ્યલ મીડિયા પર ભાવુક શ્રદ્ધાંજલિ આપી હતી

મનીષા કોઇરાલાએ નાના પાટેકરને યાદ કરીને સોશ્યલ મીડિયા પર ભાવુક શ્રદ્ધાંજલિ આપી હતી. મનીષાએ સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે ‘એક મહાન અભિનેતા અને અભિનયકળાના સાચા દિગ્ગજના નિધનથી હું અત્યંત દુઃખી છું. સિનેમામાં તેમનું યોગદાન અને પોતાની કળા પ્રત્યેનું તેમનું સમર્પણ હંમેશાં યાદ રાખવામાં આવશે. તેમના આત્માને શાંતિ મળે. ૐ શાંતિ.’

મનીષાનો આ સંદેશ ભલે ટૂંકો હતો, પણ તેની પાછળ બન્ને કલાકારો વચ્ચે જોડાયેલો લાંબો અને ચર્ચાસ્પદ ઇતિહાસ રહ્યો છે. નાના અને મનીષાએ પહેલી વાર ફિલ્મ ‘અગ્નિસાક્ષી’માં સાથે કામ કર્યું હતું. ફિલ્મમાં બન્ને કલાકારો વચ્ચેનાં દૃશ્યો દર્શકોને ખૂબ પસંદ પડ્યા હતા. આ ફિલ્મ બાદ જ બન્ને વચ્ચેના પડદા પાછળના સંબંધને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ હતી. ‘અગ્નિસાક્ષી’ બાદ નાના અને મનીષાની જોડી ‘ખામોશી : ધ મ્યુઝિકલ’માં બાપ-દીકરીના રોલમાં જોવા મળી હતી. આ સમયગાળા દરમ્યાન બન્ને રિલેશનશિપમાં હોવાની ચર્ચા હતી પણ બન્નેમાંથી કોઈએ આ વાતનો જાહેરમાં સ્વીકાર નહોતો કર્યો.

વર્ષો બાદ પણ નાનાએ કેટલાક પ્રસંગોએ મનીષા વિશે ભાવુક થઈને વાત કરી હતી. એક જૂના ઇન્ટરવ્યુમાં તેમણે મનીષાને અત્યંત સંવેદનશીલ અભિનેત્રી ગણાવીને સ્વીકાર્યું હતું કે બન્નેના અલગ થયા બાદ તેમને મનીષાની ખોટ અનુભવાતી હતી.

nana patekar celebrity death manisha koirala social media entertainment news bollywood bollywood news