મંદિરા બેદીને બાળકી દત્તક લેવા કેવી અડચણ આવી રહી છે?

12 March, 2017 07:33 AM IST  | 

મંદિરા બેદીને બાળકી દત્તક લેવા કેવી અડચણ આવી રહી છે?



સોનિલ દેઢિયા અને મોહર બાસુ

ટીવી-ઍક્ટર્સ ગુરમીત ચૌધરી અને દેબિના બોનરજીએ બે બાળકીઓને દત્તક લેવાની જાહેરાત કર્યાના થોડાક દિવસો બાદ ઍક્ટ્રેસ મંદિરા બેદી અને તેના પતિ રાજ કૌશલે એક બાળકીને દત્તક લેવાનો તેમનો પ્લાન જાહેર કર્યો છે, પણ કાયદો મંદિરા તથા રાજના માર્ગમાં અડચણ બની શકે છે.

રાજ કૌશલે તેમનો આ પ્લાન ફેસબુક પર શૅર કર્યો હતો. જોકે સમયના કાંટા આ કપલની વિરુદ્ધમાં ફરી રહ્યા છે. તેઓ બેથી ચાર વર્ષની એક બાળકીને દત્તક લેવા માગે છે, પણ અડૉપ્શનના ભારતીય કાયદા અનુસાર બન્ને પેરન્ટ્સની કુલ વય ૯૦ વર્ષથી વધુ થતી હોય તો તેઓ આ ઉંમરનું બાળક દત્તક લઈ શકે નહીં.

મંદિરા ૧૫ એપ્રિલે ૪૫ વર્ષની થવાની છે એટલે આ ડેડલાઇન આડે હવે એક મહિનો બાકી રહ્યો છે.

આ બાબતે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં મંદિરાએ કહ્યું હતું કે ‘અમારા નાનકડા દીકરા વીરની બહેન હોય એવી અમારી ઇચ્છા છે એટલે અડૉપ્શનની પ્રોસેસ અમે કેટલાંક વર્ષો પહેલાં શરૂ કરી હતી, પણ અડૉપ્શનની પ્રક્રિયા લાંબી અને થકવી નાખનારી છે. આખરે રાજે ફેસબુક પર આ બાબતે પોસ્ટ મૂકવાનો નિર્ણય કર્યો હતો. રાજ માને છે કે આમ કરવાથી અમને મદદ મળશે, કારણ કે અમારા માટે દુનિયા આખી દરવાજા ખોલી આપશે. મને એ વાતનો ડર છે કે આ બાબતે વાત કરવાથી સંતાનને દત્તક લેવાના અમારા ચાન્સિસ નબળા પડશે, પણ ટૂંક સમયમાં નવા બાળકને લાવીને અમારા પરિવારને પૂર્ણ કરવાની મને આશા છે.’


ચમકતાં સપનાં

મંદિરા અને રાજે તો તેમની દત્તક બાળકીનું નામ પણ નક્કી કરી લીધું છે. એની વાત કરતાં રાજ કૌશલે કહ્યું હતું કે ‘અમારા પોતાના અને દત્તક સંતાનના નામ મેં અને મંદિરાએ પહેલેથી જ પસંદ કરી રાખ્યાં હતાં. મંદિરા પ્રેગ્નન્ટ હતી ત્યારે જ અમે નક્કી કરી લીધું હતું કે અમારે ત્યાં દીકરો જન્મશે તો અમે દીકરીને દત્તક લઈશું અને દીકરી જન્મશે તો દીકરાને દત્તક લઈશું. એ રીતે અમે અમારાં બાળકોનાં નામ વીર અને તારા રાખવાનું નક્કી કર્યું હતું.’

જોકે આ વિશેના પેપરવર્ક મોટી અડચણ સર્જી શકે છે. આ બાબતે વાત કરતાં રાજ કૌશલે કહ્યું હતું કે ‘વીરનો જન્મ ૨૦૧૧માં થયો હતો અને ૨૦૧૩ના અંતે અમે અડૉપ્શનની પ્રક્રિયા શરૂ કરી હતી. મુંબઈ અને જાલંધરના બે અનાથાશ્રમોમાં અમે પેપરવર્ક શરૂ કર્યું હતું. પેપરવર્ક બહુ હતું અને અમે એ બાબતે ખાસ કંઈ જાણતા નહોતા. હવે અમને વધારે સમજણ પડી છે અને પેપરવર્ક બને એટલું ઝડપથી પૂરું કરવા ઇચ્છીએ છીએ.’

મદદની ઑફરનો વરસાદ


રાજ કૌશલે ફેસબુક પર પોસ્ટ મૂકી એ પછી દેશભરમાંથી તેમનો સંખ્યાબંધ લોકોએ સંપર્ક સાધ્યો હતો. રાજ કૌશલે કહ્યું હતું કે ‘રાજસ્થાન, મિઝોરમ અને કર્ણાટકના લોકો મેસેજિસ મોકલી રહ્યા છે એ બહુ આનંદની વાત છે. વાસ્તવમાં એક દીકરો દત્તક લઈ ચૂકેલા કોરિયોગ્રાફર સંદીપ સોપારકરે આ પ્રોસેસમાં અમને મદદ કરવા જણાવ્યું છે.’


વેબસાઇટ પર બધી વિગત

ચાઇલ્ડ વેલ્ફેર કમિટીનાં અધ્યક્ષ મીનલ ઠાકોરે કહ્યું હતું કે ‘અડૉપ્શનની પ્રક્રિયા આસાન નથી, પણ બાળકને દત્તક લેવા ઇચ્છતા દરેક દંપતીએ ગાઇડલાઇન્સનું પાલન કરવું જોઈએ. હવે આ પ્રક્રિયા આસાન બની ગઈ છે. સેન્ટ્રલ અડૉપ્શન રિસોર્સ ઑથોરિટીએ વેબસાઇટ શરૂ કરી છે. બાળક દત્તક લેવા ઇચ્છતાં કપલ તેમને શંકા હોય ત્યારે આ વેબસાઇટ પરથી વિગત મેળવી શકે છે.’