25 March, 2026 10:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ ફિલ્મ સોહમ શાહ ફિલ્મ્સ અને પેન સ્ટુડિયોઝના બૅનર હેઠળ બનાવવામાં આવશે
૨૦૧૮માં રિલીઝ થયેલી ‘તુંબાડ’ ફિલ્મે પોતાના અનોખા અંદાજ અને ડરામણી કહાનીથી દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી હતી. હવે એની સીક્વલ ‘તુંબાડ 2’ બનવાની છે જેને લઈને ફૅન્સમાં ઉત્સુકતા વધી છે. મળતી માહિતી પ્રમાણે આ વખતે મેકર્સ ફિલ્મને પહેલાં કરતાં ઘણા મોટા સ્તરે બનાવવાની તૈયારી કરી રહ્યા છે. મુંબઈમાં ફિલ્મના પહેલા શેડ્યુલ માટે એક વિશાળ સેટ તૈયાર કરવામાં આવી રહ્યો છે જે એક શહેર જેવો હશે. આ સેટ અંદાજે ૭થી ૮ એકર વિસ્તારમાં ફેલાયેલો હશે જેનાથી ફિલ્મના સ્કેલની ભવ્યતાનો અંદાજ લગાવી શકાય. આ ફિલ્મની વાર્તા વિશે વધુ માહિતી બહાર આવી નથી, પરંતુ આ વખતે ફિલ્મમાં ડર, રહસ્ય અને વિઝ્યુઅલ્સ પહેલાં કરતાં વધુ શક્તિશાળી હશે. આ ફિલ્મ સોહમ શાહ ફિલ્મ્સ અને પેન સ્ટુડિયોઝના બૅનર હેઠળ બનાવવામાં આવશે. મેકર્સ આ વર્ષના અંત સુધીમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની તૈયારીમાં છે.