ન ટૅલન્ટ, ન ચહેરો, ન ફિગર... પૂજાની સરખામણીમાં અડધી પણ નથી આલિયા

25 April, 2025 08:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહેશ ભટ્ટના દીકરા રાહુલે સગી બહેન અને સાવકી બહેનની સરખામણી કરી

પૂજા અને આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટની ગણતરી બૉલીવુડની ટોચની હિરોઇનોમાં થાય છે. તેણે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’, ‘હાઇવે’, ‘ડિયર ઝિંદગી’ અને ‘ઉડતા પંજાબ’ જેવી ફિલ્મોમાં શાનદાર પર્ફોર્મન્સ આપીને પોતાની જાતને સાબિત કરી દીધી છે. આલિયાને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે નૅશનલ અવૉર્ડ મળ્યો છે. જોકે આલિયાના સાવકા ભાઈ રાહુલ ભટ્ટના દાવા પ્રમાણે તેની સગી બહેન પૂજા ભટ્ટની સરખામણીમાં આલિયામાં કોઈ ખાસ ટૅલન્ટ નથી.  ફિલ્મમેકર મહેશ ભટ્ટે બે લગ્ન કર્યાં છે. પહેલી પત્ની કિરણ ભટ્ટથી તેને બે સંતાનો પૂજા અને રાહુલ છે, જ્યારે બીજી પત્ની સોની રાઝદાનથી તેને બે દીકરીઓ આલિયા અને શાહીન છે.

રાહુલ ભટ્ટે હાલમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં તેના અને આલિયાના બૉન્ડિંગની વાત કરી છે. રાહુલે કહ્યું કે ‘મારું આલિયા અને શાહીન સાથે સારું બૉન્ડિંગ છે, પણ મને મારી મર્યાદામાં રહેવું ગમે છે અને હું રોજ કોઈને ફોન નથી કરતો અને કોઈને મળવા પણ નથી જતો.’

આલિયા ભટ્ટની ઍક્ટિંગ અને કરીઅર વિશે વાત કરતાં રાહુલે કહ્યું કે ‘આલિયા કમાલની ઍક્ટ્રેસ છે. તેને પબ્લિક રિલેશન્સ અને પ્રમોશનની પણ સારી સમજ છે. જ્યારે એક વ્યક્તિમાં આ તમામ ખૂબી હોય તો તેને આગળ વધતાં કોઈ અટકાવી શકતું નથી. આલિયા ભટ્ટ ટૅલન્ટેડ છે પણ તેની ક્ષમતા પૂજા કરતાં અડધીયે નથી. આલિયા ઍક્ટિંગ, લુક્સ કે પછી ફિગર... કોઈ મામલે પૂજાની તોલે આવી શકે એમ નથી. અમારાં ચારેય ભાઈ-બહેનોમાં સૌથી વધારે ટૅલન્ટેડ પૂજા ભટ્ટ છે. ઍક્ટિંગની આવડત હોય કે નૈતિકતાનો મુદ્દો હોય, પૂજા અમારામાં નંબર વન છે અને તેની કોઈ સાથે સરખામણી થઈ ન શકે. પૂજા પોતાની કરીઅરમાં ટોચ પર હતી ત્યારે તેણે બ્રેક લીધો હતો અને હવે તે OTTમાં કામ કરી રહી છે. તે મારા પપ્પાના વારસાને આગળ વધારી શકે એમ છે, કારણ કે ફિલ્મોની સાચી સમજ માત્ર તેને છે.’

bollywood buzz bollywood news bollywood entertainment news pooja bhatt alia bhatt