02 May, 2025 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મહેશ ભટ્ટ અને પરવીન બાબી
બૉલીવુડની ૭૦ અને ૮૦ના દાયકાની લોકપ્રિય હિરોઇનોની યાદીમાં પરવીન બાબીનું નામ ટોચ પર આવે છે. તેણે પોતાના કામથી ફૅન્સના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. જોકે તેની પર્સનલ લાઇફ બહુ ચર્ચાસ્પદ રહી છે. પરવીન બાબીનું નામ મહેશ ભટ્ટ, કબીર બેદી અને ડૅની ડેન્ઝોન્ગ્પા સાથે જોડાયું હતું, પણ તેમણે લગ્ન નહોતાં કર્યાં. જોકે હાલમાં ફિલ્મમેકર મહેશ ભટ્ટે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે પરવીન બાબી પરણેલી હતી અને તેનો પતિ પાકિસ્તાન ચાલ્યો ગયો હતો.
પરવીન બાબી તેના જીવનના એક તબક્કે માનસિક સમસ્યાઓ સામે લડી રહી હતી અને એ પહેલાં તે ફિલ્મમેકર મહેશ ભટ્ટ સાથે રિલેશનશિપમાં હતી, પણ એ સમયે મહેશ ભટ્ટે કિરણ ભટ્ટ સાથે લગ્ન કરી લીધાં હતાં. મહેશ ભટ્ટ અને પરવીનની મુલાકાત ૧૯૭૭માં થઈ હતી. એ સમયે મહેશ ભટ્ટ પરણેલા હતા અને પરવીનનું કબીર બેદી સાથે બ્રેકઅપ થઈ ગયું હતું. મહેશ અને પરવીનની રિલેશનશિપ ત્રણ વર્ષ સુધી ચાલી હતી અને પછી તેઓ અલગ થઈ ગયાં હતાં. પરવીન બાબીનું ૫૦ વર્ષની ઉંમરે ૨૦૦૫માં અવસાન થયું હતું.
હાલમાં એક ઇન્ટરવ્યુમાં મહેશ ભટ્ટે તેની અને પરવીન બાબીની રિલેશનશિપ વિશે વાત કરી હતી. મહેશ ભટ્ટે જણાવ્યું હતું કે ‘અમે જ્યારે રિલેશનશિપમાં હતાં ત્યારે મને ખબર પડી કે પરવીનનાં અગાઉ લગ્ન થઈ ચૂક્યાં હતાં. પરવીને ક્યારેય આ વિશે વાત નહોતી કરી, પણ તેની મમ્મી ક્યારેક-ક્યારેક જૂનાગઢથી આવતી ત્યારે આ વિશે વાત કરતી હતી. તેમણે એક વખત જણાવ્યું હતું કે એક વખત પરવીનનાં લગ્ન થયાં હતાં પણ તેનો પતિ પાકિસ્તાન ચાલ્યો ગયો હતો.
આનાં વર્ષો પછી હું એક ફિલ્મ-ફેસ્ટિવલમાં ભાગ લેવા પાકિસ્તાન ગયો હતો ત્યારે પરવીનનો પતિ મને મળવા માગતો હતો, પણ હું તેને નહોતો મળ્યો, કારણ કે મને એની કોઈ જરૂર નહોતી લાગી.’