મધ્ય પ્રદેશ પોલીસ કરી રહી છે કંગના રનોટની સુરક્ષા

13 February, 2021 08:56 AM IST  |  Bhopal | Agency

મધ્ય પ્રદેશ પોલીસ કરી રહી છે કંગના રનોટની સુરક્ષા

કંગના રનોટ

કંગના રનોટ મધ્ય પ્રદેશમાં શૂટિંગ કરી રહી હોવાથી તેને રાજ્યની પોલીસે સલામતી પૂરી પાડી છે. કંગનાએ ખેડૂતોના આંદોલનની વિરોધમાં જે ટ્વીટ કર્યાં હતાં એથી તેઓ નારાજ છે. કંગના જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી તેને શૂટિંગની પરવાનગી આપવામાં નહીં આવે એવું કૉન્ગ્રેસનું કહેવું છે. ટ્વિટરે કંગનાનાં વિવાદાસ્પદ ટ્વીટને ડિલીટ કરી નાખ્યાં છે. કંગના બિતુલ જિલ્લાના સરનીમાં આવેલા કૉલ હૅન્ડલિંગ પ્લાન્ટમાં ‘ધાકડ’નું શૂટિંગ કરી રહી છે. એ સ્થળે પોલીસ શસ્ત્રો સાથે તેને સિક્યૉરિટી પૂરી પાડી રહી છે. સ્ટેટ કૉન્ગ્રેસ સેવા દળના સેક્રેટરી મનોજ આર્યા અને ચિંચોલી બ્લૉક કૉન્ગ્રેસ કમિટી પ્રેસિડન્ટ નેકરામ યાદવે બિતુલના તહસીલદારમાં એક મેમોરેન્ડમ દાખલ કર્યો હતો, જેમાં લખવામાં આવ્યું છે કે ખેડૂતોના ચાલી રહેલા દેખાવ સંદર્ભે કંગના રનોટે જે કમેન્ટ્સ કરી છે એ વિશે શુક્રવાર સાંજ સુધી માફી નહીં માગે તો તેના શૂટિંગને અટકાવવામાં આવશે. મધ્ય પ્રદેશના ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ કૉન્ગ્રેસ ચીફ કમલનાથને તેમના પાર્ટી વર્કર્સને શૂટિંગમાં કોઈ પણ અડચણ ઊભી ન કરવામાં આવે એવું સમજાવવા કહ્યું છે. એ વિશેની વધુ માહિતી આપતાં સરની શહેરના સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ અભય રામ ચૌધરીએ કહ્યું હતું કે ‘મધ્ય પ્રદેશના ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ બિતુલ સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ સિમલા પ્રસાદને આદેશ આપ્યા બાદ સલામતી વ્યવસ્થા સખત કરવામાં આવી છે. કૉલ હૅન્ડલિંગ પ્લાન્ટના ગેટ-નંબર બે અને ચારમાંથી ઍક્ટર્સ અવરજવર કરે છે ત્યાં પોલીસ ગોઠવવામાં આવી છે. અમે એ વાતની પૂરી ખાતરી રાખીશું કે તેને શૂટિંગ દરમ્યાન કોઈ તકલીફ ન પડે.’

કંગનાએ ધાકડ માટે સતત નાઇટ શિફ્ટ્સ કરી હતી

કંગના રનોટે આગામી સ્પાય-થ્રિલર ‘ધાકડ’ માટે નાઇટ શિફ્ટમાં સતત ૧૪ કલાક કામ કર્યું હતું. આ ફિલ્મને રજનીશ ઘઈએ ડિરેક્ટ કરી છે. ૧ ઑક્ટોબરે રિલીઝ થનારી આ ફિલ્મમાં અર્જુન રામપાલ વિલનના રોલમાં દેખાશે. કંગના એજન્ટ અગ્નિના રોલમાં દમદાર ઍક્શન કરતી જોવા મળશે. સેટ પરનો ફોટો તેણે શૅર કર્યો છે. ફોટોમાં તેના ચહેરા પર લોહી છે અને ફિલ્મનો ડિરેક્ટર રજનીશ તેની પાછળ ઊભો રહીને ફની પોઝ આપી રહ્યો છે. આ ફોટોને ટ્વિટર પર શૅર કરીને કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘૧૦ નાઇટ શિફ્ટ્સમાં નૉન-સ્ટોપ ઍક્શન કરી. ૧૪ કલાકની નાઇટ શિફ્ટ્સ સવાર સુધી ચાલતી હતી. અમારા ચીફ રજનીશ ઘઈ તો એવા લાગતા હતા જાણે કે ‘તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા.’ હું આમ પણ પૂરી રીતે કામ પ્રતિ સમર્પિત છું. આવવા દો.’

kangana ranaut bhopal madhya pradesh bollywood bollywood news