13 February, 2025 07:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મધુબાલા, મધુર ભ્રિજભૂષણ
૧૪ ફેબ્રુઆરીએ ખ્યાતનામ સ્ટાર મધુબાલાની ૯૨મી વર્ષગાંઠ છે. મધુબાલા ૫૦ અને ૬૦ના દાયકાનાં ઍક્ટ્રેસ હોવા છતાં તેમની ટૅલન્ટ અને સુંદરતાને કારણે આજે પણ તેમના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. મધુબાલાની આ લોકપ્રિયતાને કારણે જ થોડા સમય પહેલાં તેમના જીવન પરથી બાયોપિક બનાવવાની જાહેરાત થઈ અને સોની પિક્ચર્સ આ ફિલ્મ બનાવવાનું હતું. જોકે આ દિશામાં હજી સુધી કોઈ નક્કર પ્રગતિ નથી થઈ. સોની પિક્ચર્સના આ ઢીલા અભિગમને કારણે મધુબાલાનાં નાનાં બહેન મધુર બ્રિજભૂષણ બહુ અપસેટ છે અને તેમણે આની સ્પષ્ટતા માટે સોની પિક્ચર્સને નોટિસ મોકલી છે.
એક ઇન્ટરવ્યુમાં સમગ્ર ઘટનાક્રમ વિશે વાત કરતાં મધુર ભ્રિજભૂષણ કહે છે, ‘મારી બહેન મધુબાલાની બાયોપિકની જાહેરાતને લગભગ બે વર્ષ થઈ ગયાં. આપણે હવે ૨૦૨૫ના વર્ષમાં છીએ. હું આ ફિલ્મ બનાવવાની દિશામાં કોઈ પ્રગતિ થાય એની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છું. આ ફિલ્મ ક્યારે શરૂ થશે એ સવાલનો મારી પાસે કોઈ જવાબ નથી. મેં આ મામલે સોની પિક્ચર્સનો વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે, પણ અમને કોઈ સ્પષ્ટ જવાબ નથી મળી રહ્યો. આખરે મારી પાસે કોઈ વિકલ્પ ન રહેતાં મેં મારી લીગલ ટીમ મારફત સોની પિક્ચર્સને લીગલ નોટિસ પાઠવી છે. હું સિનિયર સિટિઝન છું અને દિવસ-દિવસે ઘરડી થઈ રહી છું. હું મારી બહેન વિશેની ફિલ્મ જોવા ઉત્સુક છું અને એ બને એ માટે મારાથી બનતા તમામ પ્રયાસ કરીશ.’