04 August, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મદન બોબ
જાણીતા તમિલ અભિનેતા મદન બોબનું નિધન (Madan Bob Death) થયું છે. ગઈકાલે ૨જી ઓગસ્ટે ચેન્નઈમાં તેઓએ ૭૧ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. અભિનેતાને કેન્સર હતું. છેલ્લા કેટલાંક દિવસોથી તેમની તબિયત વધારે કથળી હતી. અને અડ્યારમાં આવેલા તેમના ઘરે જ તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.
એસ. કૃષ્ણમૂર્તિ કે જેઓ મદન બોબ (Madan Bob Death)ના નામથી જ જાણીતા બન્યા હતા. પરિવારનું તે આઠમું સંતાન. તેમણે કમલ હસન, રજનીકાંત, અજિત, સૂર્યા અને વિજય જેવા લેજેન્ડ્રી અભિનેતાઓ સાથે પણ કામ કર્યું હતું. આ અગાઉ તેઓએ સન ટીવીના લોકપ્રિય કોમેડી શો `અસાથા પોવાથુ યારૂ`માં જજ તરીકે જોવા મળ્યા હતા. તેઓ એક કુશળ અભિનેતા અને સંગીતકાર હતા. તેમની કારકિર્દી પર પ્રકાશ પાડવામાં આવે તો તેમના મુખ્ય અભિનયમાં તેનાલી ફિલ્મમાં ડાયમંડ બાબુ અને ફ્રેન્ડ્સમાં મેનેજર સુંદરેસનનો સમાવેશ થાય છે. આ બન્ને પાત્રોએ તેમને ઘણી લોકપ્રિયતા અપાવી હતી. તેઓએ પોતાના પાત્રો દ્વારા પ્રેક્ષકોને ખૂબ હસાવ્યા હતા.
તમિલ ફિલ્મો ઉપરાંત તેઓએ બે મલયાલમ ફિલ્મો અને એક હિન્દી ફિલ્મમાં પણ કામ કર્યું હતું. જેમાં વિવિધ ભાષાઓમાં તેમની બહુમુખી પ્રતિભા દર્શાવવામાં આવી હતી. કમલ હાસનની `સાથી લીલાવતી` અને `તેનાલી` જેવી ફિલ્મોમાં તેમનો અભિનય જાણીતો છે.
અભિનેતાની જાણીતી ફિલ્મો વિષે વાત કરવામાં આવે તો `વાનામે ઈલ્લઈ`, `થેવર મગન`, `પટ્ટુકોટ્ટઈ પેરિયપ્પા`, `નમ્માવર`, `સાથી લીલાવતી`, `તેનાલી`, `સુંદરા ટ્રાવેલ્સ` અને `પૂવ ઉનાક્કાગા` વગેરે છે.
પ્રભુદેવાએ સંવેદના વ્યક્ત કરતાં અભિનેતા સાથેની તસ્વીર શેર કરી છે અને લખ્યું છે કે, "અમે સાથે સ્ક્રીન શેર કરી હતી. તેમની હાજરી હંમેશા સેટ પર આનંદ લાવતી હતી. તેમણો હંમેશા ખુશખુશાલ, દયાળુ અને રમૂજથી ભરપૂર સ્વભાવ પોતાની આસપાસના દરેકને આનંદથી તરબોળ કરી નાખતા હતા. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કર્યું છું. તેમને હંમેશા યાદ કરવામાં (Madan Bob Death) આવશે".
મદન બોબ (Madan Bob Death) અભિનેતા તો હતા જ સાથે તેઓએ સંગીતના ક્ષેત્રમાં પણ સારું કામ કર્યું છે. કીબોર્ડ વાદક તરીકે તેઓએ પોતાની સંગીતયાત્રા આરંભી હતી. પછી તો તેઓએ પોતાના પરફોર્મન્સમાં સંગીત અને રમૂજ એકસાથે લાવીને લોકોનો અપાર પ્રેમ મેળવ્યો હતો. તેમણે 1984માં બાલુ મહેન્દ્રની ફિલ્મ `નીંગલ કેટવઈ`થી અભિનયની શરૂઆત કરતા પહેલા સંગીતકાર તરીકે ફિલ્મ ઉદ્યોગમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
અભિનેતાના નિધનના સમાચારથી તેમના ચાહકોનું દિલ તૂટી ગયું છે. તેમના ચાહકો સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. જોકે અભિનેતાના અંતિમ સંસ્કાર ક્યારે થશે તેની વિગતો પરિવાર દ્વારા હજુ સુધી શેર કરવામાં આવી નથી.