હૉલીવુડ ફિલ્મોની સ્પેશ્યલ ઇફેક્ટ્સ ભારતમાં શા માટે થાય છે?

08 December, 2011 07:13 AM IST  | 

હૉલીવુડ ફિલ્મોની સ્પેશ્યલ ઇફેક્ટ્સ ભારતમાં શા માટે થાય છે?



ભારત હવે હૉલીવુડના પ્રોડ્યુસરો માટે એક એવો દેશ બની ગયો છે જ્યાં તેઓ પોતાની પ્રોડક્શન-કૉસ્ટમાં બચાવ કરીને ઇચ્છા મુજબની સ્પેશ્યલ ઇફેક્ટ્સ પણ મેળવી શકે છે. આ ઉપરાંત જે રીતે અત્યારે ઘણી મોટી ફિલ્મોમાં આ પ્રકારની ઇફેક્ટ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એ જોઈને ભારતમાં આ બિઝનેસ વધશે એમ જ કહી શકાય.

હૉલીવુડની ‘અવતાર’ અને ‘સ્પાઇડરમૅન ૩’થી માંડી થોડા સમય પહેલાં રિલીઝ થયેલી ‘ઇમ્મૉર્ટલ્સ’ અને ‘પ્લૅનેટ ઑફ ધ એપ્સ’ સુધીની ફિલ્મોમાં સ્પેશ્યલ ઇફેક્ટ્સનું ભારતમાં આઉટસોર્સિંગ કરવામાં આવી રહ્યું છે. ખબરો અનુસાર આ રીતે ૨૦૧૩ સુધીમાં ભારત સ્પેશ્યલ ઇફેક્ટ્સમાં આગળપડતું બની જશે અને દેશમાં આ બિઝનેસ વર્ષે ૫૬૦ કરોડ રૂપિયાનો થઈ જશે.

ભારતમાં સ્પેશ્યલ ઇફેક્ટ્સ પર કામ કરવામાં હૉલીવુડની સરખામણીમાં લગભગ પચાસ ટકા જેટલું કૉસ્ટ-કટિંગ થઈ શકે છે. આ કારણે હૉલીવુડના જાણીતા સ્પેશ્યલ ઇફેક્ટ્સ સ્ટુડિયો હવે ભારતમાં આવી રહ્યા છે. આ ઉપરાંત ધીમે-ધીમે ભારતમાં ટેક્નૉલૉજીમાં પણ ઘણો વિકાસ થયો છે અને 2Dમાંથી 3D માટે પણ ઘણી ફિલ્મો હવે ભારતમાં આવી રહી છે. કહેવામાં આવે છે કે ભારતમાં આ વર્ષમાં જ કુલ ૫૦ ફિલ્મોને 2Dમાંથી 3Dમાં કન્વર્ટ કરવામાં આવી છે.

હજી ભારતમાં અમુક પ્રકારની ઇફેક્ટ્સ માટે હૉલીવુડની ફિલ્મો નથી આવતી, કારણ કે હજી એ પ્રકારની ટૅલન્ટ વિકસી નથી. જોકે આ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો માને છે કે એમાં પણ આપણો દેશ વિકાસ કરીને જ રહેશે.