તિગ્માંશુ ધુલિયા અને માહી વચ્ચે કુછ તો ગરબડ હૈ

10 December, 2012 08:06 AM IST  | 

તિગ્માંશુ ધુલિયા અને માહી વચ્ચે કુછ તો ગરબડ હૈ




બૉલીવુડમાં મોટા ભાગના લોકોને ખબર છે કે ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયા પોતાને માટે માહી ગિલને લકી માને છે અને આને કારણે તેણે ‘સાહેબ બીવી ઔર ગૅન્ગસ્ટર’ પછી આ ફિલ્મની સીક્વલ માટે પણ તેને જ સાઇન કરી છે. જોકે હાલમાં તિગ્માંશુએ જ્યારે સૈફ અલી ખાન અને સોનાક્ષી સિંહાને ચમકાવતી આગામી ફિલ્મના આઇટમસૉન્ગ માટે માહીને સાઇન કરી ત્યારથી તેના અને માહી વચ્ચે પ્રેમપ્રકરણ ચાલતું હોવાની અફïવાએ વેગ પકડવા માંડ્યો છે.

આ વિશે વાત કરતાં ફિલ્મના પ્રોડ્યુસર રાહુલ મિત્રા કહે છે, ‘હકીકત છે કે આ ગીત માટે મારી અને તિગ્માંશુ બન્નેની પહેલી પસંદગી માહી હતી. ગીતના કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય પણ આ પસંદગી સાથે સંમત હતા. તેમને પણ આઇટમસૉન્ગ માટે માહી યોગ્ય પસંદગી લાગી હતી.’

બૉલીવુડમાં ફિલ્મમેકરો પોતાની ગર્લફ્રેન્ડ કે પ્રેમિકાને ચમકાવતા હોય એવા અનેક કિસ્સા છે. ડિરેક્ટર રામગોપાલ વર્મા તો આ રીતે પોતાની પ્રેમિકાઓને ચમકાવવા માટે કુખ્યાત હતા. એ સિવાય સલમાન ખાન પણ કલર્સ ચૅનલના રિયલિટી શો ‘બિગ બૉસ’માં પોતાના ખાસ નજીકના લોકોને ચમકાવવા માટે જાણીતો છે. માહી અને તિગ્માંશુના સંબંધો વિશે વાત કરતાં બૉલીવુડની એક વ્યક્તિ કહે છે, ‘માહી અને તિગ્માંશુ વિશે જરૂર કંઈક તો છે. તિગ્માંશુનું નામ પડતાં માહી લજામણીના છોડની માફક શરમાઈ જાય છે. તેમની વચ્ચે કંઈક તો રંધાઈ રહ્યું છે.’