લગ્ન ન કરવાનો મને કોઈ અફસોસ નથી

28 September, 2011 07:14 PM IST  | 

લગ્ન ન કરવાનો મને કોઈ અફસોસ નથી

 

 

- ઇન્ટરવ્યુ

તમે ક્યારેય એ અફસોસ ધરાવો છો કે તમે લગ્ન નથી કર્યા?

જરાપણ નહીં. મને જીવનમાં કોઈ અફસોસ નથી. મને ક્યારેય લગ્ન કરવાનો ચાન્સ જ નથી મળ્યો અને એટલે જ મેં એ દિશામાં વિચાર્યું પણ નહોતું. હું આજે જે સ્થાને છું એનાથી ખુશ છું.

તમે એન્ટરટેઇનમેન્ટ જગતમાં એક પાવરફુલ વુમન તરીકે ગણાઓ છો. તમારા માટે પાવર એટલે શું?

મારા માટે પાવર એટલે મારા કામમાં મહત્તા મેળવવી અને ક્યારેય એનો દુરુપયોગ ન કરવો. સફળતાને કારણે અભિમાન આવી જવું ખૂબ જ સરળ છે, પણ હું હંમેશાં ડાઉન ટુ અર્થ રહી છું. પહેલાં જ્યારે હું કૉન્સર્ટ કે ટૂરમાં જતી ત્યારે મહિનાઓ સુધી કામ કરતી. હેમંતદા (હેમંતકુમાર) મારી મજાક પણ કરતા કે હું છ મહિના ઍડ્વાન્સમાં કામ કરતી, પણ હું મારા કામમાં જ હંમેશાં મગ્ન રહેતી.

કોઈ એવા સંગીતકાર કે જેમનાં ગીતો માટે તમને મુશ્કેલી પડી હોય?

સજ્જાદ હુસેનસાહેબનાં ગીતો મને હંમેશાં ટેન્શનમાં લાવી દેતાં. અમારી વચ્ચે સારી મિત્રતા હતી, પણ રેકૉર્ડિંગ રૂમમાં તેઓ જરાપણ ચલાવી ન લેતા. બીજું, મારા ભાઈ હૃદયનાથનાં ગીતો પણ અઘરાં હોય છે.

અંગત જીવનમાં તમારે એવા સમયે કુટુંબના પડખે ઊભાં રહેવું પડ્યું  હતું જ્યારે તમે પણ માત્ર હજી બાળક જ હતાં.

અહીં હું કહેવા માગીશ કે હું ઘણી નસીબદાર છું. મારી બહેનો આશા, મીના અને ઉષા તથા હૃદયનાથે પણ પોતાની રીતે જ કરીઅર બનાવી છે. મને ક્યારેય આર્થિક ભારણ નથી પડ્યું. હકીકતમાં મારાથી વધારે ગર્વ ધરાવનારી બહેન તમને નહીં મળે.

બૉલીવુડમાં તમારા હોદ્દાને કારણે તમને એવું લાગ્યું છે કે તમારાં ભાઈ-બહેનને તેમનો હક ઓછો મળ્યો છે?

આજે હું એકલી ઓળખાતી નથી. અમને એકસાથે મંગેશકર ફૅમિલીના નામે ઓળખવામાં આવે છે. પણ હા, હું માનું છું કે જ્યારે વડનું ઝાડ હોય ત્યારે એની આસપાસ બીજાં ઝાડને ઊગવામાં તકલીફ તો થવાની જ.

એવું કહેવામાં આવે છે કે આશા ભોસલેએ પોતાની ઓળખ બનાવવા તમારી છત્રછાયાથી દૂર થવાનું પસંદ કર્યું હતું.

આ સાવ ખોટી વાત છે. અમારા સંબંધ વિશે લોકો કંઈ પણ વાતચીત કરતા હોય છે. અમારી વચ્ચે કોઈ મતભેદ નથી. અમે બાજુ-બાજુના ફ્લૅટમાં રહીએ છીએ અને અમારા ફ્લૅટ્સ વચ્ચે એક કૉમન ડોર પણ છે. હા, યુવાનીમાં આશાએ ઘર છોડીને લગ્ન કર્યા હતાં અને પોતાનું નામ કર્યું હતું અને મને એનાથી ગર્વ જ છે.

તમે આશાજીને સિંગર તરીકે કેટલાં સક્ષમ ગણો છો?

તે કોઈ પણ પ્રકારનું ગીત ગાઈ શકે છે. હું ભગવાનનો પાડ માનીશ કે તેણે મારી સ્ટાઇલને પસંદ ન કરી. જો તેણે કરી હોત તો અમને હરીફો તરીકે ગણવામાં આવ્યાં હોત. સિંગર તરીકે તેનું કદ ખૂબ જ મોટું છે એ માનવું જ પડશે.

તમારા મહાન સાથીકલાકારોમાંથી કોઈની ગેરહાજરી તમને દુ:ખી કરે છે?

હા, હું કિશોરદા (કિશોરકુમાર) અને મુકેશભૈયાને સૌથી વધુ મિસ કરું છું. હું મોહમ્મદ રફી, શંકર-જયકિશન, મદનમોહન, સલીલ ચૌધરી, હેમંતકુમાર બધાને યાદ કરું છું. નૌશાદસાહેબ મારા માટે મિત્ર કરતાં ખૂબ વધારે હતા. તેઓ મારો ઘણો ખ્યાલ રાખતા હતા. મ્યુઝિક હિસ્ટરીમાં માત્ર એક જ એવા સંગીતકાર છે જેમણે તમારી સાથે કામ નથી કર્યું...

હા, ઓ. પી. નૈયર સાથે મેં કામ નથી કર્યું. તેઓ ઘણા સારા સંગીતકાર હતા. જોકે તેમની સ્ટાઇલ મારા મુજબની નહોતી. તેમણે પણ મને એ કહ્યું અને હું પણ સહમત હતી. તેમણે જાહેરમાં ઘણી વખત મને નંબર વન સિંગર તરીકે ગણાવી છે.

એન્ટરટેઇનમેન્ટ જગતમાં તમે કોના કામથી સૌથી વધુ પ્રભાવિત છો?

યશ ચોપડા, અમિતાભ બચ્ચન, સંજીવ કોહલી (મદનમોહનના દીકરા) અને દિલીપકુમાર સાહેબ.

શું તમે તેમાંથી કોઈની સાથે વાતચીત કરો છો?

યશજી અને સંજીવજી. મેં દિલીપકુમાર સાથે વાત કરવાની કોશિશ કરી, પણ કોઈએ મારી સાથે વાત નહોતી કરવા દીધી. હું જાણું છું કે તેઓ પોતાની નાની બહેનને ખૂબ જ માન આપે છે.

પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તરે તમારા ‘દીકરા’ સચિન તેન્ડુલકર વિશે ઘણું ખરાબ કહ્યું છે.

જો સચિન જેવા મહાન પ્લેયર અને માણસ માટે કોઈ ખરાબ બોલશે તો તે પોતાનું જ સ્થાન બતાવી રહ્યો છે.


- સુભાષ કે. ઝા