હિન્દી કુંગ ફુ યોગામાં જૅકી ચૅનનો અવાજ બન્યા છે આ ગુજરાતી વૉઇસ-આર્ટિસ્ટ

03 February, 2017 06:14 AM IST  | 

હિન્દી કુંગ ફુ યોગામાં જૅકી ચૅનનો અવાજ બન્યા છે આ ગુજરાતી વૉઇસ-આર્ટિસ્ટ

આ ફિલ્મ ચાઇનાના ફેમસ કુંગ ફુ અને ભારતની યોગ સંસ્કૃતિનું મિશ્રણ છે. ફિલ્મનું શૂટિંગ ચાઇનાની સાથે રાજસ્થાન તેમ જ દુબઈમાં પણ થયું છે. વર્સેટાઇલ વૉઇસ ધરાવતા ગુજરાતી વૉઇસ-આર્ટિસ્ટ રાજેશ કવા પોતાના જાદુઈ અવાજ સાથે હિન્દી ડબિંગ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું એક આગવું સ્થાન બનાવી ચૂક્યા છે. ૧૬ વર્ષથી વૉઇસ-આર્ટિસ્ટ તરીકે કામ કરતા રાજેશ કવાએ ૧૦૦૦થી વધારે ઍનિમેશન સિરીઝ, ૧૫૦૦થી વધુ ફિલ્મ-ઍડ્વર્ટાઇઝમેન્ટ, રેડિયો-પ્રોગામ અને ડૉક્યુમેન્ટરીમાં પોતાનો અવાજ આપ્યો છે. હૅરી પૉટરની હિન્દીમાં ડબ થયેલી ફિલ્મ-સિરીઝમાં હૅરી પૉટરના કૅરૅક્ટરને તેમણે પોતાનો અવાજ આપ્યો છે. એ સિવાય સાઉથની હિન્દીમાં ડબ થયેલી ફિલ્મોમાં મોટા દિગ્ગજ કલાકારો માટે ડબિંગ કર્યું છે. અનુપમ ખેર, જાવેદ જાફરી, જૅકી શ્રોફ, નસીરુદ્દીન શાહ, રત્ના પાઠક શાહ જેવા કલાકારો સાથે રાજેશ કવાએ રેડિયો-શો પણ કર્યા છે.