બચ્ચન પરિવારની દીકરી સાથે કુણાલે કર્યો પ્રેમ, પણ...

12 December, 2012 06:24 AM IST  | 

બચ્ચન પરિવારની દીકરી સાથે કુણાલે કર્યો પ્રેમ, પણ...



કુણાલ કપૂર અને અમિતાભ બચ્ચનના મોટા ભાઈ અજિતાભ બચ્ચનની દીકરી નૈના બચ્ચનના પ્રેમપ્રકરણ વિશે મોટા ભાગના લોકોને ખબર છે. કુણાલની છેલ્લી ફિલ્મ ‘લવ શવ તે ચિકન ખુરાના’ના સેટ પર પ્રેમી કુણાલને મળવા નૈના નિયમિત આવતી હતી અને આને કારણે જ તેમનું પ્રેમપ્રકરણ જાહેર થઈ ગયું હતું. કુણાલે હવે નૈના સાથેના પ્રેમપ્રકરણનો એકરાર કર્યો છે, પણ સાથોસાથ સ્પષ્ટતા પણ કરી દીધી છે કે નજીકના ભવિષ્યમાં લગ્ન કરવાનો અમારો કોઈ ઇરાદો નથી.

પોતાના આ ઇરાદા પાછળનાં કારણોની સ્પષ્ટતા કરતાં કુણાલ કહે છે, ‘હાલમાં મારું પ્રેમપ્રકરણ બહુ ખુશાલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. હું બહુ પ્રાઇવેટ પર્સન છું અને મારી અંગત વાતોની ચર્ચા જાહેરમાં કરવાનું મને ગમતું નથી. હું જ્યારે લગ્ન કરીશ ત્યારે ચોક્કસ એની જાહેરાત કરીશ, પણ નજીકના ભવિષ્યમાં મારું લગ્ન કરવાનું કોઈ આયોજન નથી.’

કુણાલની છેલ્લી ફિલ્મ ‘લવ શવ તે ચિકન ખુરાના’ને સરેરાશ સફળતા મળી હતી અને કુણાલે એ પછી કોઈ ફિલ્મ સાઇન નથી કરી. જોકે કુણાલના દાવા પ્રમાણે આ ફિલ્મ પછી તેને ઘણી બધી એન્ડૉર્સમેન્ટ ડીલની ઑફર મળી છે.