18 December, 2025 12:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કુમાર સાનુ
પ્લેબૅક સિન્ગર કુમાર સાનુએ તાજેતરમાં પોતાની ભૂતપૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે બૉમ્બે હાઈ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે અને ૩૦ લાખ રૂપિયાનું વળતર માગ્યું છે. એટલું જ નહીં, કુમાર સાનુએ એ તમામ ઇન્ટરવ્યુ હટાવવાની પણ ડિમાન્ડ કરી છે જેમાં તેની ભૂતપૂર્વ પત્નીએ તેના વિરુદ્ધ ખોટા અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડનારા આરોપો લગાવ્યા છે.
કુમાર સાનુ દ્વારા કરાયેલી આ અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે તેની ભૂતપૂર્વ પત્નીએ અનેક પ્લૅટફૉર્મ્સ પર ઇન્ટરવ્યુ આપ્યા છે જેમાં તેણે કુમાર સાનુ પર ગંભીર આરોપો લગાવ્યા છે. રિપોર્ટ અનુસાર અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે રીટાએ પોતાના ભૂતપૂર્વ પતિ વિરુદ્ધ કરેલાં તમામ નિવેદનો તેમના ડિવૉર્સ દરમ્યાન થયેલા સમજૂતી-કરારની શરતોનો ભંગ કરે છે.
અરજીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આવાં નિવેદનોને કારણે પ્રોફેશનલ રીતે તેમ જ સોશ્યલ મીડિયા પર કુમાર સાનુની છબી ખરાબ થઈ છે, એના કારણે તેમને આર્થિક નુકસાન પણ સહન કરવું પડ્યું છે.
કુમાર સાનુ અને રીટા ભટ્ટાચાર્ય વચ્ચેની આ કાનૂની લડાઈ તેમના ડિવૉર્સને ૨૦ વર્ષથી વધુ સમય વીતી ગયા બાદ સામે આવી છે. કુમાર સાનુ અને રીટા ભટ્ટાચાર્યના ડિવૉર્સ ૨૦૦૧માં બાંદરા ફૅમિલી કોર્ટમાં થયા હતા. કુમાર સાનુના જણાવ્યા અનુસાર ડિવૉર્સ વખતની આ સમજૂતીમાં એક શરત હતી કે ભવિષ્યમાં બન્નેમાંથી કોઈ પણ એકબીજા વિરુદ્ધ કોઈ આરોપ નહીં લગાવે.