ક્યારેય હિરોઇન બનવાનું વિચાર્યું સુધ્ધાં નહોતું કોંકણા સેન શર્માએ

20 March, 2020 02:29 PM IST  |  Mumbai | Ashu Patel

ક્યારેય હિરોઇન બનવાનું વિચાર્યું સુધ્ધાં નહોતું કોંકણા સેન શર્માએ

કોંકણા સેન શર્મા

કોંકણા સેન શર્મા સ્કૂલમાં હતી ત્યારે તેની મહત્વાકાંક્ષા ટીચર કે રાઇટર બનવાની હતી. એ સિવાય પણ કોંકણાને ઘણુંબધું બનવાના વિચાર જુદા-જુદા તબક્કે આવ્યા હતા, પણ તેણે ક્યારેય હિરોઇન બનવાનું વિચાર્યું પણ નહોતું. કોંકણાકલકત્તાની સ્કૂલમાં ભણતી હતી ત્યારે તેને લાગતું હતું કે દુનિયામાં સૌથી મોટી વાત કોઈ હોય તો એ ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં કૉલમ લખવાની છે! એનું કારણ એ હતું કે કોંકણાના પપ્પા મુકુલ શર્મા ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં ‘માઇન્ડ સ્પોર્ટ’ નામની કૉલમ લખતા હતા!

કોંકણાની મમ્મી અપર્ણા સેનનું બંગાળની ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ હતું તો કોંકણાના પપ્પા સાયન્સ અને હ્યુમર રાઇટર તરીકે જાણીતા હતા. એકતા કપૂર-વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘એક થી ડાયન’ કોંકણાના પપ્પાની ટૂંકી વાર્તાઓ પરથી બની હતી. કોંકણાએ તેની મમ્મી સાથે તો ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પણ પહેલી વાર તેને પિતાની વાર્તાઓ પરથી બનેલી ફિલ્મમાં અભિનય કરવાનો મોકો મળ્યો હતો. કોંકણાએ તેની માતા સાથે ‘મિસ્ટર ઍન્ડ મિસિસ ઐયર’ ફિલ્મ કરી હતી અને તેને એ ફિલ્મ માટે નૅશનલ અવૉર્ડ પણ મળ્યો હતો.

માતા અપર્ણા સેનને કારણે કોંકણાએ બંગાળી ફિલ્મોમાં બાળકલાકાર તરીકે અભિનય શરૂ કર્યો હતો. તેનો અભિનય જોઈને અપર્ણા સેનના મિત્રો કહેતા કે આ છોકરી જરૂર મોટી થઈને હિરોઇન બનશે. એ વખતે કોંકણા હાજર હોય તો તરત જ કહેતી કે મારે કાંઈ હિરોઇન નથી બનવું! પણ કોંકણા કૉલેજમાં હતી ત્યારે તેને એક બંગાળી ફિલ્મની ઑફર થઈ. એ પહેલાં પિતાને લીધે તેને વાંચનનો શોખ જાગ્યો હતો અને માતાને કારણે તેણે નાટકોમાં ભાગ લેવાનું શરૂ કરી
દીધું હતું.
 
કોંકણા સેન કલકત્તાની સેન્ટ સ્ટિફન્સ કૉલેજમાં બીજા વર્ષમાં ભણતી હતી ત્યારે તેણે પહેલી બંગાળી ફિલ્મ કરી. એ ફિલ્મ માટે કોંકણાને બહુ આશા નહોતી, પણ એ ફિલ્મ સારી ચાલી એટલે કોંકણાનો આત્મવિશ્વાસ વધી ગયો. એ વખતે પહેલી વાર તેને થયું કે અભિનેત્રી બનવામાં પણ કાંઈ ખોટું નથી.
 
એ પછી તેની માતા અપર્ણા સેનના મિત્ર અને નામાંકિન ફિલ્મસર્જક ઋતુપર્ણા ઘોષે તેને પોતાની ફિલ્મ માટે સાઇન કરી. એ ફિલ્મને કારણે કોંકણાના જીવનમાં વળાંક આવી ગયો અને તેણે અભિનય કરવાનો જ નિર્ણય લીધો. એ ત્યારે માસ્ટર ડિગ્રી મેળવવા માટે અભ્યાસ કરી રહી હતી, પણ અભ્યાસ પડતો મૂકીને તેણે અભિનયમાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું. તે તેની મમ્મી સાથે નિયમિત ફિલ્મ ફેસ્ટિવલ્સમાં જવા માંડી.
 
કોંકણા તેની માતા અપર્ણા સેન જેવી બંગાળી બ્યુટી કહી શકાય એમ નથી એટલે તે નાની હતી એ વખતે જે લોકો કહેતા હતા કે કોંકણા મોટી થઈને હિરોઇન બનશે એ લોકોએ જ કોંકણા યુવાન થઈ ત્યારે કહેવા માંડ્યું કે કોંકણા બહુ આકર્ષક નથી એટલે તેને બંગાળી પ્રજા હિરોઇન તરીકે નહીં સ્વીકારે! પણ કોંકણાએ એ બધાને ખોટા પાડ્યા અને બંગાળી ફિલ્મોથી આગળ વધીને બૉલીવુડમાં મોટા બૅનરની ફિલ્મોમાં ટોચના હીરો સામે હિરોઇન તરીકે ચમકીને બધાની બોલતી બંધ
કરી દીધી.

ashu patel konkona sen sharma bollywood news entertainment news