એમટીવીના કોક સ્ટુડિયોમાં આવતી કાલે કીર્તિદાન ગઢવી

11 April, 2015 04:33 AM IST  | 

એમટીવીના કોક સ્ટુડિયોમાં આવતી કાલે કીર્તિદાન ગઢવી



કીર્તિદાન ગઢવીને આ શોમાં આવવા માટેનું આમંત્રણ બૉલીવુડની ગુજરાતી સંગીતકાર બેલડી સચિન-જિગરે આપ્યું હતું. દોઢ હજારથી પણ વધુ ડાયરા અને લોકસાહિત્યના સ્ટેજ-શો કરી ચૂકેલા કીર્તિદાન ગઢવી કહે છે, ‘મ્યુઝિકમાં તમારી કેવીક આવડત છે એની જ્યાં પરખ થઈ જાય એવા આ શોમાં જવા માટે મુરત જોવાની જરૂર હોય એવું મને લાગ્યું નહીં. મેં તરત જ હા પાડી દીધી.’

કીર્તિદાન ગઢવી મુંબઈમાં નવરાત્રિ દરમ્યાન પર્ફોર્મ કરી ચૂક્યા છે અને ઈટીવી ચૅનલ પર પણ લોકસાહિત્યને લગતા અનેક શો કરી ચૂક્યા છે. કીર્તિદાન ગઢવીએ કોક સ્ટુડિયોના શોમાં કાઠિયાવાડી દુહા અને છંદ ઉપરાંત સુપ્રસિદ્ધ લોકગીત ‘મણિયારો...’, દીકરી અને પિતાના સંબંધોને ઉજાગર કરતું લોકગીત અને અન્ય બે ગીતો પણ ગાયાં છે. કીર્તિદાન ગઢવી સાથે આ શોમાં વિશાલ ભારદ્વાજનાં વાઇફ અને જાણીતાં સિંગર રેખા ભારદ્વાજ પણ ડ્યુએટમાં છે. કોક સ્ટુડિયોનો આ એપિસોડ આવતી કાલે રાત્રે આઠ વાગ્યે ટેલિકાસ્ટ  થશે.

સાત વર્ષની તનિષ્કા સચિન સંઘવી પણ ગાશે ગીત

મ્યુઝિક-ડિરેક્ટર સચિન-જિગર પૈકીના સચિન સંઘવીની સાત વર્ષની દીકરી તનિષ્કા પણ કોક સ્ટુડિયોના એક સૉન્ગમાં રેખા ભારદ્વાજ અને કીર્તિદાન ગઢવી સાથે ગીત ગાશે. તનિષ્કા પહેલી વખત ગીત ગાઈ રહી છે અને તેણે આ અગાઉ ક્યારેય કોઈની પાસે સિન્ગિંગની વિધિવત્ તાલીમ નથી લીધી. જિગર કહે છે, ‘ફાધર-ડૉટરની રિલેશનશિપ પરના ગીતમાં અમારે નાની બાળકીનો વૉઇસ જોઈતો હતો. એમાં અમે તનિષ્કા પાસે ટ્રાય કરાવી અને તેણે અદ્ભુત રીતે ગીત ગાયું એટલે તેની પાસેથી ફાઇનલ શૂટિંગમાં પણ ગીત ગવડાવ્યું.’

સચિન-જિગર નથી ઇચ્છતા કે તનિષ્કા પર સેલિબ્રિટી સ્તરનો કોઈ ભાર અત્યારથી આવી જાય એટલે તેઓ તનિષ્કા વિશે વધારે વાત કરવા તૈયાર નથી.