આમિરના કૅમ્પેન માટે તેની પત્ની મરાઠીમાં ગીત ગાશે

03 January, 2017 06:07 AM IST  | 

આમિરના કૅમ્પેન માટે તેની પત્ની મરાઠીમાં ગીત ગાશે



સોનિલ દેઢિયા


આમિર ખાનના એક કૅમ્પેન માટે તેની પત્ની કિરણ રાવે ગીત ગાયું છે, જેથી એ વિશે વધુ જાગૃતિ ફેલાવી શકાય. આમિરે ગયા વર્ષે મહારાષ્ટ્ર સરકાર સાથે જલયુક્ત શિવાર અભિયાન શરૂ કર્યું હતું, જેમાં વૉટર કન્ઝર્વેશન પ્રોગ્રામ દ્વારા પાંચ વર્ષમાં મહારાષ્ટ્રને દુકાળમુક્ત કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આમિરે પાણી બચાવવા માટે સત્યમેવ જયતે વૉટર કપની કૉમ્પિટિશનની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્રના ૩૦ તાલુકાઓ વચ્ચે આ કૉમ્પિટિશન રાખવામાં આવે છે અને એની બીજી એડિશન માટે આમિરે એક વિડિયો રજૂ કરીને વધુ જાગૃતિ ફેલાવવાનું નક્કી કર્યું છે. આમિરે આ માટે મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ની ટીમની મદદ લીધી છે. ‘સૈરાટ’ના ડિરેક્ટર નાગરાજ મંજુલ આ વિડિયોને ડિરેક્ટ કરશે અને એમાં ‘સૈરાટ’ના લીડ ઍક્ટર્સ આકાશ થોસાર અને રિન્કુ રાજગુરુ જોવા મળશે. આ ફિલ્મનું સંગીત આપનાર મ્યુઝિક ડિરેક્ટર્સ અજય-અતુલ જ આ વિડિયો માટે સંગીત આપશે. જોકે આ વિડિયો માટે અવાજ આમિરની પત્ની કિરણ રાવ આપશે. આ વાતની પુષ્ટિ કરતાં આમિરના પ્રવક્તાએ કહ્યું છે કે ‘આવું પહેલી વાર બની રહ્યું છે કે કિરણ રાવ ગીત ગાઈ રહી છે અને એ પણ મરાઠીમાં. આ વિડિયોમાં આમિર, ‘સૈરાટ’ના ઍક્ટર્સ અને એ સિવાય પણ ઘણી સેલિબ્રિટીઝ જોવા મળશે.’



ગયા વર્ષે ત્રણ તાલુકાનાં ૧૧૬ ગામોએ સત્યમેવ જયતે વૉટર કપમાં ભાગ લીધો હતો અને એમણે કુલ ૧૩૬૮ કરોડ લીટર પાણી બચાવ્યું હતું. પહેલા કપની સફળતાને લઈને આ કપ હવે કુલ ૩૦ તાલુકાઓમાં રજૂ કરવામાં આવશે. આ કૉમ્પિટિશનનું આયોજન ૮ એપ્રિલથી ૨૨ મે સુધી ચાલશે.

દંગલનો ૧૦ દિવસમાં ૨૭૦.૪૬ કરોડનો બિઝનેસ


આમિર ખાનની ફિલ્મ ‘દંગલ’એ બૉક્સ-ઑફિસ પર ખૂબ ધમાલ મચાવી છે અને ૧૦ જ દિવસમાં આ ફિલ્મ ૨૫૦ કરોડ રૂપિયાનો આંકડો વટાવી ગઈ છે. આ ફિલ્મે પહેલા અઠવાડિયામાં ૧૯૭.૫૩ કરોડનો બિઝનેસ કર્યો હતો અને ત્યાર બાદ બીજા અઠવાડિયે એટલે કે શુક્રવારે ૧૮.૫૯, શનિવારે ૨૩.૦૭ અને રવિવારે ૩૧.૨૭ કરોડ સાથે ટોટલ ૨૭૦.૪૬ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે ભારતની સાથે વિદેશમાં પણ ખૂબ સારો દેખાવ કર્યો છે. આ ફિલ્મે રવિવાર સુધીમાં વિદેશમાં ટોટલ ૧૪૧.૬૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.