ફિલ્મની તૈયારી માટે નવાઝુદ્દીન સિદ્દીકી જંગલમાં ગાળશે મહિનો

20 August, 2012 05:55 AM IST  | 

ફિલ્મની તૈયારી માટે નવાઝુદ્દીન સિદ્દીકી જંગલમાં ગાળશે મહિનો

‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’ જેવી ફિલ્મમાં પોતાની ઍક્ટિંગથી બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચવામાં સફળ સાબિત થયેલા ઍક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીને ડિરેક્ટર કેતન મહેતાએ પોતાની આગામી પિરિયડ ફિલ્મ ‘માઉન્ટન મૅન’ માટે સાઇન કર્યો છે. આ ફિલ્મમાં ગ્રામીણ જગતની વાત છે ત્યારે કેતન મહેતાની ઇચ્છા છે કે નવાઝુદ્દીન ગ્રામીણ સંસ્કૃતિથી સારી રીતે વાકેફ બને અને એ માટે ફિલ્મની શરૂઆત પહેલાં એક મહિનો જંગલમાં રહેવાનો અનુભવ લે. કેતન મહેતાની આ ફિલ્મ માટે નવાઝુદ્દીનને એક મહિનો જંગલમાં રહેવાનો પણ કોઈ વાંધો નથી.

કેતન મહેતાની આ ફિલ્મ ‘માઉન્ટન મૅન’માં ૧૯૬૦ના સમયગાળામાં થઈ ગયેલા દશરથ માંઝી નામની બિહારની વ્યક્તિની વાત છે જેણે એકલે હાથે માત્ર હથોડાથી સતત બાવીસ વર્ષ સુધી મહેનત કરીને આખો પહાડ તોડી નાખ્યો હતો, જેના કારણે અત્રી અને વઝીરગંજ જેવી બે જગ્યા વચ્ચેનું અંતર ૭૫ કિલોમીટરમાંથી ઘટીને એક કિલોમીટર થઈ ગયું હતું. પોતાના આ રોલ વિશે વાત કરતાં નવાઝુદ્દીન કહે છે, ‘મારે આ રોલનું શૂટિંગ શરૂ કરતાં પહેલાં શારીરિકની સાથોસાથ માનસિક સજ્જતા પણ મેળવવાની છે. દશરથ કોઈ સામાન્ય માણસ નહોતો એટલે મને આ પાત્રની તૈયારી કરવા માટે ઓછામાં ઓછો એક મહિનો તો લાગી જ જશે. હાલમાં હું ‘લંચ બૉક્સ’નું શૂટિંગ કરી રહ્યો છું જે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં આટોપી લેવામાં આવશે. ત્યાર બાદ હું ડ્રીમ રોલ માટે બ્રેક લઈશ.’