19 July, 2025 07:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરીના કપૂરે ગુરુવારે તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં તેના ગ્રીસમાં ગાળેલા વેકેશનની તસવીરો શૅર કરી છે.
કરીના કપૂરે તાજેતરમાં બૉલીવુડમાં પચીસ વર્ષ પૂરાં કર્યાં છે અને છતાં તેને રસપ્રદ ફિલ્મોમાં કામ કરવાની તક મળતી રહે છે. એક રિપોર્ટ પ્રમાણે કરીનાની આગામી ફિલ્મની વાર્તા બહુ રસપ્રદ છે. ૪૪ વર્ષની કરીના આ ફિલ્મમાં ભૂતનો રોલ કરી રહી છે અને તે તેનાથી લગભગ ૨૦ વર્ષ નાના ઍક્ટર સાથે રોમૅન્સ કરશે. જોકે આ ઍક્ટર કોણ હશે એની જાહેરાત કરવામાં આવી નથી. આ ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ કહ્યું હતું કે ‘કરીનાને ભૂતના રોલમાં રજૂ કરતી આ અનોખી ફિલ્મની વાર્તા એકદમ અલગ છે. આ એક હૉરર-કૉમેડી ફિલ્મ છે અને આ રોલ માટે કરીના એકદમ પર્ફેક્ટ છે.’
કરીનાનો ગ્રીસમાં લુંગી-ડાન્સ
કરીના કપૂરે ગુરુવારે તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં તેના ગ્રીસમાં ગાળેલા વેકેશનની તસવીરો શૅર કરી છે. આ તસવીરમાં કરીનાએ યલો હૉલ્ટર બિકિની ટૉપ, ડાર્ક ગ્રીન અને વાઇટ ચેકર્ડ રૅપ સ્કર્ટ, કાળાં સનગ્લાસિસ અને બ્રાઉન બેઝબૉલ કૅપ પહેરી હતી. કરીનાનું ચેકર્ડ સ્કર્ટ જાણે લુંગી પહેરી હોય એવો લુક આપતું હતું. કરીનાએ પોતાના આ ફૅશનેબલ લુકની તસવીરો સાથે કૅપ્શનમાં લખ્યું છે, ‘ગ્રીસમાં લુંગી-ડાન્સ કર્યો... ખૂબ મજા પડી, જરૂર ટ્રાય કરવો જોઈએ.’