24 March, 2026 10:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરીના કપૂર ખાન
હાલમાં ચર્ચા હતી કે રણબીર કપૂર દિવંગત અભિનેતા-ફિલ્મમેકર રાજ કપૂરના પ્રતિષ્ઠિત પ્રોડક્શન-હાઉસ RK સ્ટુડિયોઝને ફરી શરૂ કરવાની યોજના બનાવી રહ્યો છે. જોકે હવે કરીના કપૂરે આ ચર્ચાના મામલે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે ‘આ સ્ટુડિયો ફરી શરૂ થવા વિશેના સમાચાર સાચા નથી. રાજ કપૂરે શરૂ કરેલા RK સ્ટુડિયોઝની શરૂઆત ૧૯૪૮માં ચેમ્બુરમાં થઈ હતી. જોકે કપૂર-પરિવારે મે ૨૦૧૯માં આ સ્ટુડિયો ગોદરેજ પ્રૉપર્ટીઝને ૧૮૦ કરોડ રૂપિયામાં વેચી દીધો હતો.’
રણબીર RK સ્ટુડિયોઝ ફરી શરૂ કરવાનો છે એ મામલે કરીનાએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘આ મુદ્દે પરિવારના ગ્રુપમાં ચર્ચા થઈ હતી અને એ શરૂ કરવાનું શક્ય નથી એવું જ નક્કી થયું છે. લોકો ખરેખર ઇચ્છે છે કે આવું થાય, પરંતુ રણબીર હાલમાં પોતાના અભિનય પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે, કારણ કે તે ઍક્ટિંગને બહુ પ્રેમ કરે છે. રણબીર ભારતનો બેસ્ટ ઍક્ટર છે અને તેનું ધ્યાન માત્ર તેના ક્રાફ્ટ પર જ હોવું જોઈએ. આ વાત થોડી દુખદ છે, પરંતુ હકીકત એ છે કે આ યોજના અત્યારે અમલમાં નથી.’