22 December, 2019 11:37 AM IST | Mumbai
કરીના કપૂર ખાન
‘ધ કપિલ શર્મા શો’માં પહોંચેલી કરીના કપૂર ખાને જણાવ્યું હતું કે તેના દાદા રાજ કપૂરને કેરીઓ ખૂબ પસંદ હતી એથી એને બધાથી સંતાડીને લોકરમાં સાચવીને રાખતા હતાં. કરીના તેની આગામી ફિલ્મ ‘ગુડ ન્યુઝ’નાં પ્રમોશન માટે અક્ષયકુમાર, દિલજિત દોસંજ અને કિયારા અડવાણી સાથે આ શોમાં ગઈ હતી. શોમાં કપિલ શર્માએ સવાલ કર્યો હતો કે રાજ કપૂર સરને કેરીઓ ખૂબ ભાવતી હતી અને એને છુપાવીને રાખતા હતા. તો શું કરીના તને કદી પણ એ કેરીઓ મળતી હતી?
પોતાના બાળપણનાં એ સ્મરણોને યાદ કરતા કરીનાએ કહ્યું હતું કે ‘અમે ઘણી વાર છુપાઈને કેરીઓ લેવાનો પ્રયાસ કરતા હતાં. જોકે અમને કદી પણ કેરીઓ મળતી નહોતી. મારા દાદાને કેરીઓ એટલી તો ગમતી હતી કે તેઓ એને લોકરમાં રાખતા અને તાળું મારી દેતા હતાં. આમ છતાં કરિશ્માને એ કેરીઓ સરળતાથી ખાવા મળતી હતી. ખરુ કહું તો કરિશ્મા મારા દાદાની ખૂબ લાડકી પૌત્રી હતી. દાદાને તેના પર ખૂબ વ્હાલ હતુ અને એના પર ખૂબ જ પ્રેમ વરસાવતા હતાં. હું પણ કરિશ્માને મળેલી કેરીઓ છીનવી લેતી હતી અને એને ગાર્ડનમાં છુપાવતી અને બાદમાં ખાતી હતી. કરિશ્મા જ્યારે પણ તેમની પાસે કેરીઓ માગતી તો તેઓ કહેતા હતાં કે લો બેટા લો લો.’
કરીનાના આ ખુલાસા પર મજાકિયા અંદાજમાં અક્ષયકુમારે કહ્યું હતું કે કદાચ આ જ કારણ છે કે તેને લોલો કહીને બોલાવવામાં આવે છે.
આ વિશે કરીનાએ કહ્યું હતું કે તેણે આ વિશે મમ્મીને પૂછવું જોઈએ.