12 May, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરણ જોહર
કરણ જોહરની ગણતરી બૉલીવુડના સફળ ફિલ્મમેકરમાં થાય છે. તેની સફળતાએ તેને ખ્યાતિ અપાવી છે, પરંતુ વિવાદોએ તેનો પીછો નથી છોડ્યો. કરણ પર આરોપ લગાવવામાં આવે છે કે તે બૉલીવુડમાં નેપોટિઝમ એટલે કે ભાઈ-ભત્રીજાવાદ ફેલાવે છે અને માત્ર સ્ટારકિડ્સને જ લૉન્ચ કરે છે. હાલમાં એક પૉડકાસ્ટ માટે આપેલા ઇન્ટરવ્યુમાં કરણે તેના પર મૂકેલા આરોપો વિશે સ્પષ્ટતા કરી છે.
કરણે ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે ‘મારા પિતા યશ જોહર એક જાણીતા નિર્માતા હતા. તેમણે ધર્મા પ્રોડક્શન્સનો પાયો નાખ્યો હતો અને મારા પિતાને કારણે મને ઇન્ડસ્ટ્રીમાં સરળતાથી સ્થાન મળ્યું. હું મારા પિતાના વારસાનો ભાગ હતો અને એ સ્વાભાવિક હતું. ‘કૉફી વિથ કરણ’ને કારણે મને ખ્યાતિ મળી, પણ એને કારણે મારી ઇમેજ પણ બદલાઈ ગઈ. લોકો મારા વિશે કેટલીક ખાસ ધારણા બાંધી લે છે, જે પૂર્ણપણે સાચી નથી હોતી. જે લોકો મને નજીકથી ઓળખે છે તેઓ મારા અસલી સ્વભાવને સમજે છે. હું એક સાચો માણસ છું, પરંતુ હું દરેક પાસે સ્પષ્ટતા કરી શકતો નથી. કેટલાક લોકો મને ઉષ્માભર્યો માણસ માને છે, જ્યારે કેટલાકની નજરમાં મારી ઇમેજ નેગેટિવ છે. હું દરેકને ખુશ નથી રાખી શકતો. જે મને ઓળખે છે તેઓ મારા દિલને સમજે છે. કર્મ જ મારો સૌથી મોટો ધર્મ છે. લોકો કહે છે કે હું બધાની કરીઅર બરબાદ કરું છું પણ એવું નથી. મેં કોઈની કરીઅર નથી બગાડી. મેં ફક્ત મારું કામ કર્યું છે.’