કોર્ટમાં ઍફિડેવિટ તેમ જ માતાના મંદિરની વ્યક્તિગત મુલાકાત લઈને ક્ષમાયાચના

25 March, 2026 11:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચામુંડીદેવીને ફીમેલ ભૂત કહેવાના વિવાદમાં રણવીર સિંહ આ રીતે તેના વર્તન બદલ કોર્ટમાં માફી માગશે

રણવીર સિંહની ફાઇલ તસવીર

ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ની જબરદસ્ત સફળતા વચ્ચે અભિનેતા રણવીર સિંહ ફરી એક વાર ‘કાંતારા’ વિવાદને લઈને ચર્ચામાં આવ્યો છે. કર્ણાટક હાઈ કોર્ટે આ મામલે થયેલી પોલીસ-ફરિયાદ પર સુનાવણી કરી હતી. આ દરમ્યાન રણવીરના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે રણવીર સિંહ કોર્ટમાં ઍફિડેવિટ દાખલ કરીને માફી માગવા તૈયાર છે. હવે આ કેસની આગામી સુનાવણી ૧૦ એપ્રિલે થશે, જેમાં તેણે સત્તાવાર રીતે બિનશરતી માફી માગતી ઍફિડેવિટ રજૂ કરવી પડશે.

આ સુનાવણી દરમ્યાન સોશ્યલ મીડિયા પર માગવામાં આવેલી માફી અંગે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. પ્રોસિક્યુશન તરફથી કહેવામાં આવ્યું કે શક્ય છે કે આ માફી ઍક્ટરની ટીમે પોસ્ટ કરી હોય. એના જવાબમાં વકીલે કહ્યું હતું કે ‘રણવીર સિંહ આ વિવાદથી દુખી છે અને તે વ્યક્તિગત રીતે કોર્ટ સમક્ષ માફી રજૂ કરશે. આ ઉપરાંત તે મૈસુરમાં ચામુંડી હિલ્સ ખાતે દેવીના મંદિરની મુલાકાત લઈને પણ માફી માગશે.’

શું છે ‘કાંતારા’ વિવાદ?

ગયા વર્ષે ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા ૨૦૨૫માંથી રણવીર સિંહનો એક વિડિયો વાઇરલ થયો હતો, જેમાં તેણે રિષબ શેટ્ટીની ફિલ્મ ‘કાંતારા : ચૅપ્ટર 1’ના એક મહત્ત્વપૂર્ણ સીનની નકલ કરી હતી. આ સમયે રણવીરે સીનની મિમિક્રી કરી હતી, પરંતુ એમાં તેણે ચામુંડીદેવીને ‘ફીમેલ ભૂત’ કહી દીધાં, જેને કારણે લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હતી અને વિવાદ ઊભો થયો હતો. ત્યાર બાદ તેણે સોશ્યલ મીડિયા પર માફી માગવી પડી હતી. જોકે આમ છતાં કોર્ટમાં વિવાદ ચાલી રહ્યો છે.

ranveer singh rishab shetty karnataka entertainment news bollywood bollywood news