02 April, 2026 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કંગના રનૌત
કંગના રનૌત ૨૦૧૪માં રિલીઝ થયેલી પોતાની લોકપ્રિય ફિલ્મ ‘ક્વીન’ની સીક્વલમાં જોવા મળવાની છે. રિપોર્ટ મુજબ ‘ક્વીન 2’ એપ્રિલના અંત સુધીમાં ફ્લોર પર જવાની તૈયારીમાં છે. આ સીક્વલની વાર્તામાં કંગનાનું પાત્ર સમગ્ર ભારતભરમાં મુસાફરી કરતું નજર આવશે.
મળતી માહિતી પ્રમાણે વિકાસ બહલ અને કંગના રનૌત ફરી સાથે મળી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે અને એપ્રિલ સુધીમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ શકે છે. આ સીક્વલ ૨૦૧૪ની વાર્તાનો સીધો આગળનો ભાગ નહીં હોય, પરંતુ આત્મશોધ અને આત્મનિર્ભરતા જેવા વિષયો આગળ વધારશે.
‘ક્વીન 2’માં કંગના મૂળ ફિલ્મની જેમ નાના શહેરની છોકરી નહીં હોય; તે વધુ સ્માર્ટ, મજબૂત અને અલગ અંદાજ ધરાવતી હશે. ફિલ્મમાં એક મોટો વળાંક આવશે, જે તેને આત્મશોધની સફર પર લઈ જશે. આ ફિલ્મમાં તે પોતાના વ્યક્તિત્વ, આત્મવિશ્વાસ અને હિંમત દ્વારા જીવનમાં સફળતા મેળવતી દેખાશે.
‘ક્વીન’માં કંગના પૅરિસ અને ઍમ્સ્ટરડૅમ જેવી વિદેશી જગ્યાઓ પર એકલી મુસાફરી કરતી જોવા મળી હતી, જ્યારે આ વખતે તેની સફર ભારતનાં અલગ-અલગ શહેરોમાં થશે. આ સીક્વલનું શૂટિંગ મુંબઈના સ્ટુડિયોમાં શરૂ થશે, જ્યાં નૉર્થ ઇન્ડિયન શહેરનો સેટ તૈયાર કરવામાં આવશે. આ પછી ટીમ અન્ય શહેરોમાં શૂટિંગ માટે જશે. આ ફિલ્મ લગભગ ત્રણ મહિનાના શેડ્યુલમાં પૂર્ણ થવાની શક્યતા છે, જે ‘ક્વીન’ના ચાહકો માટે ફરી એક વાર ઉત્સાહજનક અનુભવ સાબિત થશે.