કંગનાએ મેક-અપ માટે ૧૨ કલાક બેસવું પડે છે

29 November, 2012 03:22 AM IST  | 

કંગનાએ મેક-અપ માટે ૧૨ કલાક બેસવું પડે છે



કંગના રનૌત તેની આગામી ફિલ્મમાં ગૅન્ગસ્ટરનો રોલ કરી રહી છે. આ ફિલ્મમાં કંગનાનો લુક સાવ જ અલગ છે અને કંગના તેના આ લુક માટે આકરી મહેનત કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે ફિલ્મના આ ખાસ લુક માટે કંગનાએ શૂટિંગ માટે સતત ૧૨ કલાક સુધી

મેક-અપ કરાવવો પડે છે. આ પહેલાં બૉલીવુડના કલાકારોમાંથી માત્ર અમિતાભ બચ્ચને જ ‘પા’ના શૂટિંગ માટે ખાસ પ્રોસ્થેટિક મેક-અપ કરવા માટે આટલી બધી જહેમત ઉઠાવી હતી.

પ્રોડ્યુસર તિગ્માંશુ ધુલિયા અને ડિરેક્ટર સાંઈ કબીરની આ ફિલ્મ પહેલાં તબુને ઑફર કરવામાં આવી હતી, પણ તેણે ના પાડતાં આખરે કંગનાને આ રોલ માટે સાઇન કરવામાં આવી છે. આ વિશે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે, ‘કંગના આ રોલ માટે બહુ મહેનત કરી રહી છે. તેને મેક-અપ કરીને તૈયાર થતાં ૧૨ કલાક લાગે છે અને પછી તે સતત પાંચ કલાક શૂટિંગ કરે છે. આમ આ રોલ માટે તે સતત ૧૭ કલાક સુધી શૂટિંગ કરે છે. કંગનાનું તેના રોલ પ્રત્યેનું આ સમર્પણ જોઈને બધા ખુશ છે.’

કંગનાનો લુક માયાવતી પરથી પ્રેરિત?

ચર્ચા છે કે ફિલ્મમાં કંગના રનૌતના લુકની પ્રેરણા ઉત્તર પ્રદેશનાં રાજકારણી માયાવતી પરથી લેવામાં આવી છે. જોકે આ ચર્ચાને હજી ફિલ્મના સર્જકોએ કોઈ સત્તાવાર સમર્થન નથી આપ્યું.