09 June, 2022 03:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કંગના રનોટ
કંગના રનોટે હાલમાં જ પોતાની જાતને ઇડિયટ સાબિત કરી છે. કંગનાએ હાલમાં જ એક સ્પૂફ વિડિયોને સાચો માની લીધો હતો અને એને લઈને તેણે કતાર ઍરવેઝના ચીફ અકબર અલ બકરને ઇડિયટ કહી દીધો હતો. હાલમાં જ એક ટ્વિટર યુઝર વાસુદેવે એક વિડિયો બનાવ્યો હતો અને એમાં તેણે કતાર ઍરવેઝને બૉયકૉટ કરવા માટે કહ્યું હતું, કારણ કે મોહમ્મદ પયગંબરને લઈને નૂપુર શર્માએ કરેલી કમેન્ટનો કતારે વિરોધ કર્યો હતો. જોકે આ દરમ્યાન અકબર અલ બકરનો એક વિડિયો વાઇરલ થયો હતો જેમાં તેના એક જૂના વિડિયો પર કોઈએ ડબિંગ કર્યું હતું. આ વિડિયોમાં વાસુદેવ વિશે ઘણા અપમાનજનક શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વિડિયોને સાચો માની કંગનાએ તેની ઇન્સ્ટાસ્ટોરી પર લખ્યું હતું કે ‘ઘણા કહેવાતા ઇન્ડિયન હાલમાં એક ગરીબ વ્યક્તિને બુલી કરી રહ્યા છે. આ લોકો આપણા ઓવરપૉપ્યુલેટ દેશ પર ખરા બોજ છે. આ ઇડિયટ વ્યક્તિને જરા પણ શરમ નથી અને તે આ ગરીબ વ્યક્તિને બુલી કરી રહ્યો છે. વાસુદેવ ગરીબ હશે અને તમારા જેવા પૈસાદાર લોકો માટે એનું અસ્તિત્વ મહત્ત્વનું નહીં હોય, પરંતુ તેને પણ પોતાનું દુખ-દર્દ અથવા તો નિરાશા વ્યક્ત કરવાનો હક છે. યાદ રાખજો કે આની બહાર પણ એક દુનિયા છે અને ત્યાં આપણે બધા એકસરખા છીએ.’
જોકે કંગનાને જ્યારે ખબર પડી કે તેણે પોતાની જ મજાક બનાવી દીધી છે ત્યારે તેણે તેની ઇન્સ્ટાસ્ટોરીને ડિલીટ કરી દીધી હતી.