OTT પર ચાર અઠવાડિયાં જલદી રિલીઝ કરવા બદલ ઠગ લાઇફને પચીસ લાખનો દંડ

26 June, 2025 07:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મળતી માહિતી પ્રમાણે ફિલ્મના નબળા પ્રદર્શનને કારણે નેટફ્લિક્સે ‘ઠગ લાઇફ’ની ખરીદીની કિંમત ઘટાડી દીધી છે.

‘ઠગ લાઇફ’

કમલ હાસન અને ફિલ્મમેકર મણિ રત્નમની ફિલ્મ ‘ઠગ લાઇફ’ બૉક્સ-ઑફિસ પર સફળ થઈ શકી નહોતી. પાંચ જૂને રિલીઝ થયા બાદ આ ફિલ્મ થિયેટરોમાં ટકી શકી નહીં અને રિપોર્ટ મુજબ માત્ર ત્રીજા અઠવાડિયામાં જ એ ભારતભરનાં મોટા ભાગનાં થિયેટરોમાંથી ઊતરી ગઈ છે. હવે જ્યારે ફિલ્મ OTT પ્લૅટફૉર્મ પર રિલીઝ થવા માટે તૈયાર છે ત્યારે થિયેટર-રિલીઝ અને OTT-રિલીઝ વચ્ચેના પહેલાં નક્કી કરેલાં આઠ અઠવાડિયાંના નિર્ધારિત સમયગાળાનું પાલન ન કરવા માટે દંડ થશે. રિપોર્ટ પ્રમાણે ‘ઠગ લાઇફ’ને મલ્ટિપ્લેક્સ દ્વારા પ્રમાણભૂત થિયેટ્રિકલ વિન્ડોનું પાલન ન કરવા બદલ લગભગ પચીસ લાખ રૂપિયા જેટલો દંડ ફટકારવામાં આવશે. ઉત્તર ભારતમાં આઠ અઠવાડિયાંના વિન્ડોનું ચુસ્તપણે પાલન કરવાનો નિયમ છે. ‘ઠગ લાઇફ’એ આ ગાઇડલાઇનનો ભંગ કર્યો હોવાથી નૅશનલ મલ્ટિપ્લેક્સ ચેઇન્સે નિર્માતાઓને દંડ ફટકાર્યો છે. આ નજીવી રકમ છે, જેમાં ‘ઠગ લાઇફ’ના નિર્માતાઓ અને વિતરકોએ હિન્દીમાંથી તેમનો થિયેટરની કમાણીનો હિસ્સો છોડવો પડશે. આ રકમ પચીસ લાખ રૂપિયાની આસપાસ છે.

`મળતી માહિતી પ્રમાણે ફિલ્મના નબળા પ્રદર્શનને કારણે નેટફ્લિક્સે ‘ઠગ લાઇફ’ની ખરીદીની કિંમત ઘટાડી દીધી છે. નેટફ્લિક્સ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ માહિતી આપી છે કે ‘‘ઠગ લાઇફ’ નેટફ્લિક્સ પર માત્ર ચાર અઠવાડિયાંમાં પ્રીમિયર થશે. નેટફ્લિક્સે ‘ઠગ લાઇફ’ની કિંમત ઘટાડવાનો નિર્ણય લીધા બાદ વાટાઘાટો થઈ હતી. રિલીઝ પહેલાં ફિલ્મનું મૂલ્ય ૧૩૦ કરોડ રૂપિયા હતું અને નબળા પ્રદર્શન બાદ નેટફ્લિક્સ ૯૦ કરોડ રૂપિયા જેટલી કિંમત ફિક્સ કરવા ઇચ્છતું હતું. આખરે બન્ને પક્ષો ડિજિટલ રાઇટ્સ માટે ૧૧૦ કરોડ રૂપિયા પર સહમત થયા, જેમાં OTT વિન્ડોનો સમયગાળો આઠ અઠવાડિયાંને બદલે ચાર અઠવાડિયાંનો કરવામાં આવ્યો છે.’

kamal haasan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news