કન્નડાનો જન્મ તામિલમાંથી થયો છે

30 May, 2025 06:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઠગ લાઇફના પ્રમોશન વખતે કમલ હાસને આવું નિવેદન કર્યું એને પગલે મોટો વિવાદ સર્જાયો છે

સાઉથ સ્ટાર કમલ હાસન

સાઉથ સ્ટાર કમલ હાસન હાલમાં પોતાના એક વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં છે. તેઓ ચેન્નઈમાં એક કાર્યક્રમમાં પોતાની ફિલ્મ ‘ઠગ લાઇફ’નું પ્રમોશન કરી રહ્યા હતા. આ દરમ્યાન તેમણે આપેલા એક નિવેદનને કારણે વિવાદ સર્જાયો છે. આ પ્રમોશન વખતે કમલ હાસને કહ્યું હતું કે  કન્નડાનો જન્મ તામિલમાંથી થયો છે. આ નિવેદન બદલ એક તરફ કર્ણાટકમાં તેમનો વિરોધ થઈ રહ્યો છે તો સામાન્ય લોકો પણ તેમનાથી નારાજ છે.

કમલ હાસનના આ નિવેદન બાદ તેમની તીવ્ર ટીકા થઈ રહી છે. બૅન્ગલોરમાં કન્નડા સમર્થક સમૂહોએ પોતાનો ગુસ્સો દર્શાવ્યો અને તેમની ફિલ્મ ‘ઠગ લાઇફ’નાં પોસ્ટર્સ ફાડી નાખ્યાં. આ સાથે જ તેમની ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગણી પણ કરી.

બીજી તરફ આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. રાજ્યના BJP અધ્યક્ષ બી. વાય. વિજયેન્દ્રએ કહ્યું છે કે ‘કન્નડા ભાષાનું અપમાન કરવું અને તામિલ ભાષાનું મહિમામંડન કરવું એ અહંકારની પરાકાષ્ઠા છે. કમલ હાસન છેલ્લાં કેટલાંક વર્ષોથી હિન્દુ ધર્મનું સતત અપમાન કરી રહ્યા છે અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યા છે. તેમણે માફી માગવી જોઈએ.’

કન્નડા સમર્થક સંગઠન કર્ણાટક રક્ષણા વેદિકે (KRV) આ નિવેદનની નિંદા કરી. KRVના નેતા પ્રવીણ શેટ્ટીએ એક વિડિયો નિવેદનમાં કહ્યું, ‘કમલ હાસને કહ્યું કે તામિલ કન્નડાથી શ્રેષ્ઠ છે. જો તેમને કર્ણાટકમાં વ્યવસાય કરવો હોય તો તેમણે કન્નડાનું અપમાન કરવાનું બંધ કરવું જોઈએ. તમારી ફિલ્મનું પ્રમોશન અમારી ભાષા અને ગૌરવની કિંમતે ન થઈ શકે. અમે વિરોધ કરવા માટે તૈયાર છીએ, અહીં સુધી કે તમારી ફિલ્મ પર પ્રતિબંધ લગાવવા માટે પણ તૈયાર છીએ. જો તેઓ જાહેરમાં માફી નહીં માગે તો તેમની સામે કાળી શાહી ફેંકીને વિરોધ-પ્રદર્શન કરવામાં આવશે.’

આ વિવાદ હવે ઑનલાઇન વધ્યો છે. રિપોર્ટ પ્રમાણે થિયેટર માલિકો પર દબાણ કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી કમલ સ્પષ્ટીકરણ ન આપે ત્યાં સુધી ‘ઠગ લાઇફ’ને રિલીઝ ન કરે.

હું કોઈ માફી નહીં માગું : કમલ હાસન

તામિલ સુપરસ્ટાર કમલ હાસને તાજેતરની એક ઇવેન્ટમાં કહ્યું હતું કે કન્નડા ભાષા તામિલ ભાષામાંથી જન્મી છે. તેમની આ કમેન્ટ પછી ભારે વિવાદ ઊભો થયો છે. રાજકારણીઓ અને કન્નડા તરફી કાર્યકરોએ તેમની આ ટિપ્પણી પર તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો અને તેમનો બહિષ્કાર કરવાની ધમકી આપી. જોકે આ મામલે કમલ હાસને સ્પષ્ટ કર્યું કે તેઓ માફી નહીં માગે. કમલ હાસને જણાવ્યું હતું કે ‘મારી કમેન્ટનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે અને મેં આ વાત પ્રેમથી કહી હતી. હું પ્રેમથી કહેલી વાત માટે માફી નહીં માગું. રાજકારણીઓ ભાષાના મુદ્દાઓ પર વાત કરવા માટે લાયક નથી અને એમાં હું પણ સામેલ છું.’

kamal haasan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news