કમાલ અમરોહી અને મીનાકુમારીની લવસ્ટોરી આવી રહી છે ફિલ્મમાં

12 September, 2024 09:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કમાલ ઔર મીના નામની ફિલ્મની જાહેરાત, કલાકારોની જાહેરાત હજી બાકી

કમાલ અમરોહી અને મીનાકુમારી

હિન્દી ફિલ્મજગતના ડિરેક્ટર કમાલ અમરોહી અને વિખ્યાત અભિનેત્રી મીનાકુમારીની રિયલ લાઇફ લવસ્ટોરી હવે ફિલ્મના પડદે જોવા મળશે. કમાલ અમરોહીના પૌત્ર બિલાલ અમરોહીએ આ પ્રણયકથા પરથી ‘કમાલ ઔર મીના’ નામની ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. રાની મુખરજી સાથેની ‘હિચકી’ અને તાજેતરમાં જ આવેલી ‘મહારાજ’ના ડિરેક્ટર સિદ્ધાર્થ પી. મલ્હોત્રા આ ફિલ્મનું દિગ્દર્શન કરશે.

‘કમાલ ઔર મીના’માં ૩૪ વર્ષના કમાલ અમરોહી અને ૧૮ વર્ષનાં મીનાકુમારી પહેલી વાર મળ્યાં ત્યારથી શરૂ કરીને ૧૯૭૨માં આવેલી ફિલ્મ ‘પાકીઝા’ના સર્જન સુધીની તેમની ૨૦ વર્ષની સફર આવરી લેવામાં આવશે. આ ફિલ્મમાં સંગીત એ. આર. રહમાનનું હશે. ફિલ્મ ૨૦૨૬માં રિલીઝ થશે. કમાલ અમરોહીએ પાંચ જ ફિલ્મોનું ડિરેક્શન કર્યું હતું જેની શરૂઆત ૧૯૪૯ની ‘મહલ’થી થઈ હતી. એ પછી તેમણે ૧૯૫૩માં ‘દાયરા’, ૧૯૭૨માં ‘પાકીઝા’, ૧૯૭૯માં ‘મજનૂં’ અને ૧૯૮૩માં ‘રઝિયા સુલતાન’ બનાવી હતી. કમાલ અમરોહીએ અનેક ફિલ્મોનાં સ્ટોરી, સ્ક્રીનપ્લે અને ડાયલૉગ લખ્યા હતા. ૧૯૬૦માં આવેલી ‘મુગલ-એ-આઝમ’ના સંવાદ માટે તેમને ફિલ્મફેરનો અવૉર્ડ આપ્યો હતો.

‘કમાલ ઔર મીના’માં મુખ્ય પાત્રો કોણ ભજવશે એની જાહેરાત હજી નથી થઈ.

શું વાત કરો છો?

કમાલ અમરોહીએ ચાર લગ્ન કર્યાં હતાં. તેમનાં ત્રીજાં લગ્ન મીનાકુમારી સાથે હતાં. કમાલ અમરોહી અને મીનાકુમારીએ ૧૯૫૨ની ૧૪ ફેબ્રુઆરીએ લગ્ન કર્યાં હતાં. ૧૯૭૨ની ૩૧ માર્ચે મીનાકુમારીનું અવસાન થયું હતું.

meena kumari upcoming movie entertainment news bollywood bollywood news