"૧૩ વર્ષની હતી ત્યારે જ કાકાએ મને કિસ કરેલી"

25 November, 2012 03:49 AM IST  | 

"૧૩ વર્ષની હતી ત્યારે જ કાકાએ મને કિસ કરેલી"



સમર્થ મોરે

મુંબઈ, તા. ૨૫

અનીતા અડવાણી તથા દિવંગત સુપરસ્ટાર રાજેશ ખન્નાની પ્રેમકહાનીએ ભયાનક સ્વરૂપ પકડ્યું છે. તેમના ૩૩ વર્ષ જૂના સંબંધોની આઘાતજનક વિગતો બહાર આવી છે. આ મહિનાની શરૂઆતમાં જ બાંદરાની મૅજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ તેણે ડોમેસ્ટિક વાયલન્સની ફરિયાદ નોંધાવી હતી તેમ જ એ પહેલાં ખન્નાપરિવારને જૂન મહિનામાં લીગલ નોટિસ પણ મોકલાવી હતી.

રાજેશ ખન્નાની પત્ની ડિમ્પલ કાપડિયા, પુત્રીઓ ટ્વિન્કલ રાજીવ ભાટિયા ઉર્ફે ટ્વિન્કલ ખન્ના, રિન્કી સરન ઉર્ફે રિન્કી ખન્ના તથા જમાઈઓ રાજીવ હરિઓમ ભાટિયા ઉર્ફે અક્ષયકુમાર વિરુદ્ધ અનીતાએ ફરિયાદ નોંધાવી છે. પોતાની ફરિયાદમાં અનીતા અડવાણીએ કહ્યું હતું કે ‘પહેલી મુલાકાતથી જ રાજેશ ખન્ના ઉર્ફે કાકાએ પ્રભાવ પાડવાનો પ્રયત્ન કર્યો હતો. રાજેશ ખન્નાએ મને અચાનક પકડી લઈને કિસ કરી હતી. જોકે આ બધી વાત સમજવા માટે ત્યારે હું નાદાન હતી. રાજેશ ખન્નાની ધાક પણ મને હતી. રાજેશ ખન્નાએ પછી મારી સાથે જબરદસ્તીથી શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો.’

રાજેશ ખન્નાએ તેમના સંબંધો વિશે કોઈને કશી વાત કરવાની ના પાડી હતી. એનાથી તેમની ખરાબ છાપ પડે એમ હતી એટલે અનીતાએ એ વાત સ્વીકારી હતી. જોકે બાદમાં પોતાનો અભ્યાસ પૂરો કરવા તે જયપુર જતી રહી હતી અને ભૂતકાળ ભુલાવી દેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે એવું નહોતી કરી શકી. વર્ષો બાદ તે મુંબઈ આવી હતી અને શા માટે તેની સાથે આવું કૃત્ય કર્યું એવો પ્રશ્ન કરીને કાકા સાથે ઝઘડો પણ કર્યો હતો. જોકે રાજેશ ખન્નાએ તેની માફી માગી લેતાં તેમના સંબંધો ફરી સુધરી ગયા હતા.

૨૦૦૦માં એક પાર્ટી દરમ્યાન રાજેશ ખન્નાએ જાહેરમાં તેને ભેટીને કિસ કરી હતી તથા પોતાના સંબંધો જગજાહેર કરવાનું વચન પણ આપ્યું હતું. તેમની એ વાત પર અનીતા ભોળવાઈ ગઈ હતી. બાદમાં તેણે લગ્નના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. બન્ને એક દંપતીની માફક રહેતાં હતાં. ડિમ્પલ કાપડિયાથી છૂટાછેડા લેવાનું શક્ય ન હોવાનું પણ રાજેશ ખન્નાએ તેને જણાવ્યું હતું. અનીતાએ દાવો કર્યો છે કે તેની પાસે બન્નેના અંગત ક્ષણોના ખૂબ જ પ્રાઇવેટ કહી શકાય એવા વિડિયો પણ છે. રાજેશ ખન્નાની ઇચ્છા મુજબ જ તે ડ્રેસ પહેરતી હતી અને તેમના માટે કડવાચોથનું વ્રત પણ રાખતી હતી. 

સંસદસભ્યનું પદ છોડ્યા પછી રાજેશ ખન્નાએ તેને દિલ્હીમાં આવેલા ફ્લૅટમાં રાખી હતી. અનીતાએ દાવો કર્યો છે કે ‘આશીર્વાદ’ બંગલો રિનોવેટ કરવા માટે રાજેશ ખન્નાને મનાવી લીધા હતા તથા રિનોવેશનના કામ માટેનાં બિલો પણ તેની પાસે છે.

ડોમેસ્ટિક વાયલન્સ ઍક્ટ હેઠળ અનીતાને રક્ષણ જોઈએ છે. તેણે દાવો કર્યો છે કે રાજેશ ખન્ના સાથે તેના અંગત સંબંધો હતા તેમ જ તેઓ એક જ ઘરમાં સાથે રહેતાં હતાં. આ ઉપરાંત રિન્કી, ટ્વિન્કલ, અક્ષય તથા ડિમ્પલ પાસેથી તેને પોલીસરક્ષણ જોઈએ છે તથા રાજેશ ખન્નાના બંગલો આશીર્વાદમાં તે પોતાની ઇચ્છા મુજબ આવ-જા કરી શકે.

કોર્ટની પરવાનગી વિના રાજેશ ખન્નાની કરોડો રૂપિયાની સંપત્તિ કોઈ વેચી ન શકે એવી પણ અનીતાએ વિનંતી કરી છે. ‘મિડ-ડે’ સાથે વાતચીત દરમ્યાન અનીતાએ કહ્યું હતું કે પોતાનો બંગલો મ્યુઝિયમ બને એવી તેમની ઇચ્છા હતી એથી હું તેમને શ્રદ્ધાંજલિ આપી શકું.

રાજેશ ખન્નાની અંતિમક્રિયા વખતે સિક્યૉરિટી કર્મચારીઓએ તેમને દૂર રાખ્યાં હતાં. પરિણામે લપાતાં-છુપાતાં પણ તેણે અંતિમક્રિયામાં ભાગ લીધો હતો. રાજેશ ખન્ના પાસે ૫૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનો દાવો અનીતાએ કર્યો છે. આશીર્વાદ બંગલાની કિંમત જ ૨૦૦ કરોડ રૂપિયા છે. વળી રાજેશ ખન્ના જીવતા હતા ત્યારે જે રીતે તે જીવતી હતી એ માટે દર મહિને ૧૦ લાખ રૂપિયા મેઇન્ટેનન્સ આપવાની પણ તેણે માગણી કરી હતી.  મંગળવારે મેટ્રોપૉલિટન કોર્ટમાં આ કેસની સુનાવણી થશે.