કાજોલે આપ્યો પતિની ફિલ્મને ટેકો

10 November, 2012 08:22 AM IST  | 

કાજોલે આપ્યો પતિની ફિલ્મને ટેકો




છેલ્લા કેટલાક સમયથી ૧૩ નવેમ્બરે રિલીઝ થઈ રહેલી અજય દેવગનના પ્રોડક્શનની ‘સન ઑફ સરદાર’ તથા યશરાજ ફિલ્મ્સની ‘જબ તક હૈ જાન’ વચ્ચે રિલીઝ બાબતે થયેલા વિખવાદને કારણે કાજોલની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. કાજોલ યશરાજ ફિલ્મ્સની બહુ નજીક છે. તેની ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ સુપરહિટ સાબિત થઈ હતી અને દીકરી ન્યાસાના જન્મ પછી પણ પુનરાગમન માટે તેણે યશરાજ ફિલ્મ્સની ‘ફના’ની પસંદગી કરી હતી. સામા પક્ષે ‘સન ઑફ સરદાર’ પણ તેના પતિની ફિલ્મ હોવાથી તેના માટે આ ફિલ્મ પણ મહત્વની છે. આવી પરિસ્થિતિમાં ‘સન ઑફ સરદાર’ અને ‘જબ તક હૈ જાન’ વચ્ચે વિવાદ ઊભો થતાં કાજોલ આ મામલે કોનો પક્ષ લેવો એની મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી.

જોકે હાલમાં કાજોલ એક લક્ઝરી વૉચના લોન્ચિંગ માટે દુબઈ ગઈ હતી ત્યારે આખા વિવાદમાં પોતાનું વલણ સ્પષ્ટ કરતાં તેણે કહ્યું હતું કે ‘હું તો મારો ટેકો ‘સન ઑફ સરદાર’ને આપીશ. આ ફિલ્મ મારા પતિની હોમ-પ્રોડક્શન છે અને એટલે અમારા માટે બહુ મહત્વની છે.’

કાજોલની આ સ્પષ્ટતા પછી એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે હવે આ વિવાદને પગલે તે ખાસ મિત્ર શાહરુખ ખાનની યશરાજ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ‘જબ તક હૈ જાન’ના ગ્રૅન્ડ પ્રીમિયરમાં હાજરી આપવાનું ટાળશે.