27 April, 2026 05:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શું તમે સચિન તેન્ડુલકરને કહેશો કે જરા એક છગ્ગો મારીને બતાવો?
જાણીતા સિન્ગર કૈલાશ ખેરે તાજેતરમાં એક અવૉર્ડ-ઇવેન્ટ દરમ્યાન અચાનક ગીત ગાવાની વિનંતી પર સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. કૈલાશ ખેરે જણાવ્યું હતું કે આ રીતે તરત જ ‘બે લાઇન ગાઈ દો’ની વિનંતી કલાકારની પ્રતિષ્ઠા અને સંગીતના માનને ઓછું કરે છે. કૈલાશ ખેરનો આ અભિગમ ચર્ચાનો વિષય બન્યો છે.
હાલમાં દિલ્હીમાં આયોજિત એક સમિટ દરમ્યાન હોસ્ટે કૈલાશ ખેરને થોડું ગીત ગાવા વિનંતી કરી હતી. આ વિનંતી પર કૈલાશ ખેરે નારાજ થઈને પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘હું આ જ બાબત બદલવા માગું છું. ગાયકને અને સંગીતને એ રીતે ન જોવું જોઈએ કે ‘સર, બે લાઇન ગાઈ દો, માહોલ બનાવી દો.’ આ બહુ ખોટું છે. આવી વિનંતી કરવી જ નહીં. શું તમે સચિન તેન્ડુલકરને કહેશો કે જરા એક છગ્ગો મારીને બતાવો? દુનિયામાં કોઈ આવું નથી કરતું. શું તમે કોઈ સૈનિકને કહેશો કે જરા પોતાની પોઝિશન લઈને એક ગોળી ચલાવી બતાવો? આવું કૃપા કરીને ન કરો. કલાકારને જોકર ન બનાવો. સાધકને માત્ર મનોરંજન કરનાર ન સમજો.’